////

અગ્નિકાંડ મામલો: ફાયર સેફ્ટી માટે 328 ડેજીગ્નેટેડ અધિકારીઓની કરાઈ નિમણૂક

રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા 328 જેટલા ફાયર સેફટી અધિકારીઓને ડેજીગ્નેટેડ અધિકારી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. આ અંગે સોલિસીટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, આ તમામ ફાયર સેફટી અધિકારી જેમની નિમણૂંક ડેજીગ્નેટેડ અધિકારી તરીકે કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓના નંબર અને માહિતી રેકોર્ડ પર દાખલ કરવામાં આવી છે.

આ ઉપરાંત સોલિસીટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતાની રજૂઆત સામે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહે જણાવ્યું કે, 204 હોસ્પિટલમાંથી 61 પાસે NOC નથી. તેની સામે તુષાર મહેતાએ કહ્યું કે, અમે તમામ સારું છે એવું પણ દર્શાવવા ઈચ્છતા નથી. આ રજૂઆતની સામે જસ્ટિસ એમ.આર. શાહે કહ્યું, તો પછી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની અગ્નિકાંડ સામેની સેફટીનું શું? તુષાર મહેતાએ કહ્યું કે, અમે આ હોસ્પિટલો બંધ કરી શકીએ તેમ નથી.

તો જસ્ટિસ ભૂષણે કહ્યું કે, અમે હોસ્પિટલ બંધ કરવાની નહી, પરંતુ ઉપાયાત્મક કાર્યવાહીની વાત કરી રહ્યા છીએ. આ મામલે વધુ સુનાવણી આગામી શુક્રવારના રોજ હાથ ધરવામાં આવશે. આ અગાઉ પણ કેન્દ્ર સરકાર તરફથી રજૂઆત કરાઈ હતી કે, કેટલાક રાજ્યના ફાયર સેફટી ઓડિટ રિપોર્ટ તૈયાર થઈ રહ્યાં છે. કાયદાકીય અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે, ઘણા રાજ્યોએ અમને 4 ડિસેમ્બરના રોજ રિપોર્ટ રજૂ કરવાનો હતો પરંતુ તેમાં વિલંબ થતા અમે રિપોર્ટ રજૂ કરી શક્યા નથી.

મહત્વનું છે કે, અગાઉ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પર સોગંદનામામાં તથ્યો દબાવવાનો આક્ષેપ કર્યો હતો અને આ મુદ્દે સાચા તથ્યો સાથે નવું સોગંદનામું રજૂ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ મામલે ખુલાસો માંગ્યો હતો. નોંધનીય છે કે, આ અગ્નિકાંડમાં 6 લોકોના મોત નીપજ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published.