////

ભારતમાં આ કંપનીને કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી મળી

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ ભારત બાયોટેકને રસી ટ્રાયલના ત્રીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેક એ બે ઉમેદવારોમાંથી એક છે જે સ્વદેશી છે. ભારત બાયોટેકે ત્રીજા ટ્રાયલની મંજુરી પહેલા પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલના ડેટાની સાથે એનિમલ ચેલેન્જ ડેટા પણ રજૂ કર્યો છે. ડેટાને જોયા બાદ ચર્ચા કરાઇ અને બાદમાં તેને મંજૂરી આપવામાં આવી છે.

ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ના સહયોગથી, ભારત સ્વદેશી બાયોટેક “કોવાક્સિન” રસી વિકસાવી રહ્યું છે. હૈદરાબાદ સ્થિત રસી ઉત્પાદક કંપનીએ તેની રસી પરીક્ષણના ત્રીજા તબક્કાની મંજૂરી મેળવવા 2 ઓક્ટોબરે DCGIને અરજી કરી હતી. કંપનીએ તેની અરજીમાં કહ્યું હતું કે આ અભ્યાસમાં 18 વર્ષ કે તેથી વધુ વયના 28,500 લોકોનો સમાવેશ કરવામાં આવશે અને આ પરીક્ષણ 10 રાજ્યોમાં 19 સ્થળોએ કરવામાં આવશે. આ સ્થળોમાં દિલ્હી, મુંબઇ, પટના અને લખનઉનો સમાવેશ થાય છે.

વર્તમાનમાં રસી ઉપરના પ્રથમ તબક્કાના ટેસ્ટનું પરિણામ કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યું છે. ભારત બાયોટેકે પ્રથમ તબક્કાના પરિણામો ICMRને સોંપ્યા છે. જે બાદ વૈજ્ઞાનિકોની ટીમે તેનો અભ્યાસ શરૂ કરી દીધો છે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર, આ પરિણામો આરોગ્ય મંત્રાલય સાથે પણ શેર કરવામાં આવ્યા છે. સરકારે રસીકરણ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. હાલમાં, તેની પ્રથમ અને બીજા તબક્કાની ટ્રાયલ દેશની 12 હોસ્પિટલોમાં ચાલી રહી છે. બીજા તબક્કા અંતર્ગત લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.