///

અરવિંદ કેજરીવાલ ખેડૂતોને મળ્યા, કહ્યું-ખેડૂતોની માંગણી અને મુદ્દો યોગ્ય છે

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન આજે 12માં દિવસે પણ યથાવત છે. ખેડૂતો દિલ્હીની સરહદો પર ધરણા પર બેઠા છે અને સરકાર પાસે નવો કૃષિ કાયદો પરત ખેંચવા માટે માંગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે હરિયાણા-દિલ્હી સરહદ પર સિંઘુ બોર્ડર ખાતે પોતાની કેબિનેટ સાથે ખેડૂતોને મળવા માટે પહોંચ્યાં હતાં.

આ તકે કેજરીવાલ સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ ખેડૂતોને આશ્વાસન આપતા જોવા મળ્યા હતાં. કેજરીવાલે ખેડૂતો સાથે મુલાકાત કરી અને ત્યાં સુવિધાઓની સમીક્ષા કરી તથા ખેડૂતોને કહ્યું કે તેમની સરકાર ખેડૂતોની સેવાદાર છે.

કેજરીવાલે ખેડૂતોની તમામ માંગણીઓનું સમર્થન કરતા કહ્યું કે તેમની સરકાર ખેડૂતોની ચાકર છે. તેઓએ કહ્યું કે ખેડૂતોનો મુદ્દો અને તેમની માંગણી યોગ્ય છે. હું અને મારી પાર્ટી તેમના પડખે છીએ. ખેડૂતોનું આંદોલન શરૂ થયું તે સમયે દિલ્હી પોલીસે અમારી પાસે 9 સ્ટેડિયમને જેલમાં બદલવાની મંજૂરી માગી હતી. મારા પર દબાણ સર્જ્યુ હતું પરંતુ મેં મંજૂરી ન આપી. તેમનો પ્લાન હતો, ખેડૂતોને દિલ્હી આવવા દઈશું અને જેલમાં રાખીશું. અમે લોકોએ અમારા અંતરાત્માનો અવાજ સાંભળ્યો અને સ્ટેડિયમ વાળી વાત ન સાંભળી.

સિંઘુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ધરણા પર બેઠા છે. કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીએ ખેડૂતોના 8મી ડિસેમ્બરના ભારત બંધને સમર્થન આપ્યું છે. કેજરીવાલની સાથે દિલ્હી સરકારના પ્રધાનો પણ છે. તેઓ સિંઘુ બોર્ડર પર ખેડૂતો માટે કરવામાં આવેલી સુવિધાઓની સમીક્ષા કરી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે શનિવારે પાંચમા તબક્કાની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહતું. ત્યારબાદ કેન્દ્રએ ગતિરોધ ખતમ કરવા માટે 9 ડિસેમ્બરના રોજ એક બેઠક બોલાવી છે. આ તકે ખેડૂત નેતાએ કહ્યું કે આ આંદોલન ફક્ત પંજાબના ખેડૂતોનું આંદોલન નથી પરંતુ સમગ્ર દેશના ખેડૂતોનું છે. અમે અમારા આંદોલનને મજબૂત કરવા જઈ રહ્યા છીએ અને તે પહેલેથી જ આખા દેશમાં ફેલાઈ ચૂક્યું છે. તેમણે બંધને શાંતિપૂર્ણ બનાવવા સુનિશ્ચિત કરવાની અપીલ કરતા કહ્યું કે સરકાર અમારી સાથે સારો વ્યવહાર કરી રહી નહતી એટલે અમે ભારત બંધનું આહ્વાન કર્યું.

ખેડૂતોએ આવતીકાલે આપેલા ભારત બંધને કોંગ્રેસ સહિત ટીઆરએસ, ડીએમકે, શિવસેના, સપા, એનસીપી, અને આમ આદમી પાર્ટીએ પોતાનું સમર્થન આપ્યું છે. આ વિપક્ષી પાર્ટીઓ અગાઉ શનિવારે પણ તૃણમૂલ કોંગ્રેસ, આરજેડી, અને ડાબેરી પક્ષોએ બંધને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ પણ બંધનું સમર્થન કર્યું છે.

ખેડૂતોએ પણ હવે સરકારને અલ્ટીમેટમ આપી દીધુ છે કે જ્યાં સુધી નવા 3 કૃષિ કાયદા પરત નહીં ખેંચાય ત્યાં સુધી તેમનું આંદોલન ખતમ નહીં થાય. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો દિલ્હીની સરહદો પર ડટેલા છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર રવિવારે ખેડૂત સંગઠનોની મહત્વની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. જેમાં તેમણે આ સંદેશ આપ્યો હતો. સંગઠનોએ ખેડૂતોને દિલ્હી કૂચ કરવાની અપીલ પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published.