///

પેટ્રોલના ભાવ 90 રૂપિયા થતા ભાજપના જ નેતાએ સરકારને કહ્યું…

દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, તો બીજી બાજુ કેટલાક શહેરોમાં પેટ્રોલ 90 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. ત્યારે આવા સમયે સામાન્ય લોકોની મુશ્કેલીમાં પડ્યા પર પાટું જેવા હાલ થઈ રહ્યાં છે. ત્યારે હવે ભાજપને પોતાના જ નેતાએ રોકડું પરખાવ્યું હતું. જેમાં ભાજપના પીઢ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ પેટ્રોલના વધી રહેલા ભાવને લઇને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલના વધતા ભાવને લઇને સરકાર પર નિશાન તાકતા એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, પેટ્રોલના ભાવ 90 રૂપિયા પ્રતિ લીટર પહોંચતા ભારત સરકાર દ્વારા દેશવાસીઓનું આશ્ચર્યજનક શોષણ છે. રિફાઇનરીમાં પેટ્રોલના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લીટર છે. ત્યારબાદ તમામ પ્રકારના ટેક્સ અને પેટ્રોલ પંપ કમીશન મળીને 60 રૂપિયા સુધીનો વધારો થયો છે. ત્યારે મારી નજરમાં પેટ્રોલને સૌથી વધુ 40 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેચવું જોઇએ.

મહત્વનું છે કે, મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 83.71 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 73.87 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 90.34 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.51 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલ 85.19 રૂપિયા અને ડીઝલ 77.44 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નઇમાં પેટ્રોલની કિંમત 86.51 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 79.21 છે.

તો ગત રવિવારે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પોતાની ધારણા વ્યક્ત કરી હતી કે, પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠનના ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં વધારો કરવાના તાજેતરના નિર્ણય બાદ ઇંધણના ભાવ સ્થિર થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઓપેક એ બે દિવસ અગાઉથી નિર્ણય લીધો છે કે, તે દરરોજ પાંચ લાખ બેરલ ક્રૂડ તેલના ઉત્પાદનમાં વધારો કરશે.

Leave a Reply

Your email address will not be published.