///

એસિડ એટેક: પતિએ અડધી રાત્રે નિદ્રાધીન પત્નિ પર ફેંક્યો એસિડ

પતિ પત્ની વચ્ચેનાં ઘરેલુ હિંસાના બનાવો ક્યારેક એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે કે, જેની ક્યારેય આપણે સ્વપ્નમાં કલ્પના ના કરી હોય. આવી જ એક ઘટના શહેરના વેજલપુર વિસ્તારમાં જોવા મળી હતી. જેમાં 30 વર્ષના લગ્નજીવન બાદ પતિ અને પત્ની વચ્ચે વધી રહેલા ઝઘડાનો ખાર રાખીને પતિએ અડધી રાતે પત્ની પર જ્વલનશીલ એસિડ જેવો પદાર્થ ફેંકીને પલાયન થઈ ગયો છે.

જાણવા મળેલી વિગત પ્રમાણે, ફરિયાદીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી તેના પિતા તેની માતા પર શંકા-કુશંકા કરીને તેની સાથે ઝઘડો કરતા હતા. આ પહેલા પણ બંન્ને વચ્ચે વારંવાર માથાકુટ થતી જે ઝગડાઓમાં પરિણમતી. વારંવાર થતાં ઝઘડાના કારણે તેઓને ક્યાંક એવો ડર સતાવી રહ્યો હતો કે, મકાન માલિક તેઓને ભાડે રાખેલ મકાન ખાલી કરાવી દેશે. એટલે છેલ્લા એકાદ મહિનાથી ફરિયાદીની માતા તેના પિતાને ઘરમાં આવવા દેતા ન હતા. ક્યારેક આવે તો તેઓ જમીને જતા રહેતા હતા પરંતુ આ દરમિયાન પણ ઝઘડો કરતા હતા.

આ બનાવના દિવસે જ્યારે ફરિયાદીની માતા અને તેનો ભાઈ બહાર ગયા હતા તે દરમિયાન તેના પિતાએ ત્યાં તેની માતાને માર માર્યો હતો. ત્યારબાદ ઘરે આવીને પણ ઝઘડો કરતા પોલીસને જાણ કરી હતી. પરંતુ અંતે દરેક વખતની જેમ નરમ વલણ દાખવીને તેઓએ સમાધાન કર્યું હતું.

આ ઉપરાંત નવરાત્રી ચાલતી હોવાના કારણે ફરિયાદી મોડી રાત્રે દેવના ઘરે સૂતા હતા તે દરમિયાન લગભગ ત્રણ વાગ્યાની આસપાસ અચાનક જ તેમના મમ્મીએ બૂમાબૂમ કરી હતી. આ દરમિયાન બાજુમાં સૂતેલા ફરિયાદીએ જોતા જ જાણવા મળ્યું કે, તેમના ચહેરા પર કોઇ જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યો છે. બારી તરફ નજર કરતા તેઓના પિતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બુમાબુમ થતાં તે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ફરિયાદી અને તેમના ભાઈઓને પણ સામાન્ય ઇજા પહોંચી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published.