///

તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં તબાહી મચાવી, આટલા લોકોના થયા મોત

તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં તબાહી સર્જી છે, ત્યારે તૌકતે વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઈને હવે રાજસ્થાન પહોંચી ગયું છે. ગુજરાતના દરિયા કાંઠેથી પ્રવેશેલા આ વાવાઝોડાએ રાજ્યમાં ઠેર ઠેર તબાહી મચાવી દીધી છે. ખેતરથી લઈને રોડ-રસ્તા સુધી વાવાઝોડાએ નુકસાનીના નિશાન છોડ્યા છે. અનેક જગ્યાએ વીજપોલ પડી જવાથી હજુ પણ ઘણી જગ્યાએ અંધારપટ છવાયેલો છે. હજારો વૃક્ષો પણ જડમૂળથી ઉખડી ગયા છે. વાવાઝોડાના કારણે રાજ્યભરમાં કુલ 45 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. અનેક જગ્યાએ મકાનો, વૃક્ષો, વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. અનેક પશુઓના પણ મોત થયા છે.

તૌકતે વાવાઝોડું ગઈકાલે અમદાવાદમાં આફત બનીને ત્રાટક્યું હતું. અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. વાવાઝોડાના કારણે અમદાવાદ જિલ્લામાં 3 લોકોના મોત નિપજ્યા છે. જેમાં સાણંદમાં 2 અને ધોળકામાં 1 વ્યક્તિનું મોત થયું છે. અમદાવાદ જિલ્લામાં 166 વીજપોલને નુકસાન થયું છે. ધોલેરાના 5 રસ્તાઓને વાવાઝોડાના કારણે નુકસાન થયું છે.

અમદાવાદ જિલ્લામાં ભારે પવનના કારણે 2 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. જિલ્લાભરમાં વાવાઝોડાના કારણે 15 રસ્તાઓ બંધ થયા હતા. જિલ્લાના 264 ગામમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. હજુ પણ 123 જેટલા ગામોમાં વીજ પુરવઠો કાર્યરત થયો નથી. જિલ્લામાં 26 ખાનગી ઇમારતોને નુકસાન થયું છે. ધોલેરાના 132, ધોળકાના 272 અને બાવળાના 11 કાચા અને પાકા મકાનોને નુકસાન થયું છે.

ભારે પવનના કારણે ધોલેરાની 4 અને ધોળકાની 6 સરકારી ઇમારતોને નુકસાન થયું છે. તૌકતે વાવાઝોડાથી શહેરમાં ભારે નુકસાન થયું છે. સમરસ કોવિડ હોસ્પિટલમાં વૃક્ષ ધરાશાયી થતાં કોવિડ કેર સેન્ટરનો રસ્તો બ્લોક થયો હતો. જ્યારે વડોદરામાં પણ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. વડોદરામાં ગઈકાલે 84 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જેના કારણે વડોદરા શહેર અને જિલ્લાભરમાં 150થી વધુ વૃક્ષો પડી ગયા છે. એમએસ યુનિવર્સિટીમાં પણ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. કોર્પોરેશન અને વહીવટી તંત્ર વૃક્ષો દૂર કરવાની કામગીરીમાં લાગી ગયું છે.

ભરૂચ જિલ્લામાં તૌકતે વાવઝોડાના કારણે 174 વીજપોલ પડી ગયાનું સામે આવ્યું છે. 445 વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે. વાવાઝોડાના કારણે 305 વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેમાંથી 74 જેટલા વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરાયો છે. વાવાઝોડાથી ભરૂચની 51 ખાનગી અને 6 સરકારી મિલકતોને નુકસાન થયાનું જાણવા મળ્યું છે.

ભાવનગરમાં તૌકતે વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. જિલ્લાના 90 ટકા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થયો છે. 36 કલાક થવા છતાં વીજ પુરવઠો શરૂ થયો નથી. વીજ પુરવઠો કાર્યરત કરવા ટીમો કામે લાગી છે.

જૂનાગઢના ગીર જંગલ વિસ્તારમાં વાવાઝોડાને કારણે નુકસાન બાદ વનવિભાગ દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરાશે. જંગલના પ્રાણીઓને, વૃક્ષોને વ્યાપક અસર પહોંચી હોવાની સંભાવના બાદ વનવિભાગ આજથી સર્વે શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published.