////

ભાજપના આત્મારામે સુરતમાં સરઘસ કાઢી નિયમોનો ઉલાળીયો કર્યો

રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થતા અનેક શહેરોમાં કરફ્યૂ લાદવામા આવ્યો છે. તો બીજી બાજુ ભાજપના નેતાઓ વિજય સરઘસ કાઢીને સરકારના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. જેમાં ગઢડાના ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારે કોરોનાનું સંક્રમણ વધતા લાદવામાં આવેલા કરફ્યૂ વચ્ચે પણ સમ્માન સમારંભમાં ભાગ લીધો હતો.

નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી 57 કલાકનું કરફ્યૂ લાદવામાં આવ્યું છે. તો બીજી તરફ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કરફ્યૂના અમલ વચચે ભાજપના નેતાઓ જીતની ઉજવણીમાં મદમસ્ત છે. તાજેતરની પેટા ચૂંટણીમાં ગઢડા બેઠક પરથી જીતેલા ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારનો સમ્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સાથે જ સુરતના કરંજ ગામમાં આત્મારામે રેલી પણ યોજી હતી. આ સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જેમાંથી મોટાભાગના લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા અને સોશિયલ ડિસ્ટસિંગનો ભંગ જોવા મળી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતાઓ કોરોના સંક્રમણમાં કરફ્યૂ લાદવામાં આવ્યો હોવા છતાં જ ઠેર-ઠેર સમ્માન સમારંભ યોજી રહ્યા છે. ત્યારે નેતાઓની સાથે સાથે લોકો પણ તેમના આ પ્રકારના કાર્યક્રમમાં જોડાતા જાય છે અને આ મહામારી સામે લડવાની જગ્યાએ એકઠા થઇને કોરોનાના સંક્રમણને આવકારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.