///

ભાવનગર શિક્ષણ સમિતિનો ડામાડોળ વિનાનો પરિપત્ર, મેડિકલી અનફિટ શિક્ષકોને સ્વૈચ્છિક નિવૃતિનો આદેશ

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે કોરોના વેક્સિનના ડોર ટુ ડોર સર્વે વચ્ચે ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિચિત્ર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રસીકરણની કામગીરીનો ઓર્ડર રદ કરાવેલા શિક્ષકો માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ, મેડિકલી ફિટ ન હોય તેવા શિક્ષકોને સ્વૈચ્છિક નિવૃત્તિનો આદેશ આપવામાં આવ્યો છે. અસક્ષમ શિક્ષકોને સ્વૈચ્છિક નિવૃત્ત થવા માટે ફરમાન કરાયું છે. ત્યારે આ વિવાદિત પરિપત્રને પગલે શિક્ષકોમાં રોષની લાગણી જોવા મળી છે.

આ અંગે શિક્ષક મહાસંઘે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રજૂઆત કરી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 100% શિક્ષકોને સર્વેની કામગીરી સોંપવા સામે વિરોધ કર્યો છે. પ્રથમ 55 વર્ષથી ઉપરના શિક્ષકોએ રસીકરણનો ઓર્ડર રદ કરવા રજૂઆત કરી છે. ત્યારે ઓર્ડર રદ કરાવનારા શિક્ષકો પાસે શારીરિક ફિટનેસ સર્ટિફિકેટ માંગવામાં આવ્યા છે. જેમાં શિક્ષકોને રજૂઆત કરતા કહ્યું કે, 55 વર્ષથી ઉપરના શિક્ષકો શૈક્ષણિક કામગીરી તો સારી રીતે કરી શકે છે, પરંતુ કોરોના કાળમાં ફિલ્ડ વર્ક તેઓ માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. ઘરે-ઘરે ફરી 50 વર્ષથી ઉપરના નાગરિકોના સર્વેની કામગીરી પચાસ વર્ષથી ઉપરના શિક્ષકોને સોંપાતા સંક્રમણનો ખતરો વધે છે.

આ અંગે શિક્ષક સંઘના અધ્યક્ષ મહેશ મોરીએ પરિપત્રનો વિરોધ કરતા કહ્યું કે, 55થી વધુ ઉંમરના લોકોને સરકારી નિયમોમાં પણ છૂટછાટ આપવામાં આવે છે, ત્યારે આ કામમાં કેમ નહિ. શિક્ષક સિવાયના અન્ય વિભાગના કર્મચારીઓને પણ આ સર્વેની કામગીરી જોડવા જોઈએ. જો શિક્ષકોને કોઈ શારીરિક તકલીફ હોય તો તેઓએ ઓર્ડર રદ કરવા અરજી કરી છે. શિક્ષકોએ કામચોરી કરવા અરજી નથી કરી. એવામાં કામ કરનાર શિક્ષકો નિરસ થાય છે. રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ આ બાબતને વખોડે છે. ભવિષ્યમાં પણ કોઈ પણ કામગીરમાં શિક્ષકો કામ કરશે, પરંતુ જેઓને તકલીફ છે તેઓને કામ ન કરાવવા અમારી અપીલ છે.

તો બીજી બાજુ વિવાદિત પરિપત્ર કરનાર શાસનાધિકારી યોગેશ ભટ્ટે કહ્યું કે, જે શિક્ષકો ખોટા કારણોસર મેડિકલ સર્ટિફિકેટ આપશે તો ધ્યાને આવશે. જેન્યુઈન કારણ હશે તો દેખાઈ આવશે. કામ ન કરવાના ઈરાદે સાથે સર્ટિફિકેટ આપ્યું હશે તો અમે શોધીશું. કોરોનાકાળમાં પણ શિક્ષકોએ અનેક કામ કર્યા છે. શિક્ષકોને ઘરે ઘરે જઈને શિક્ષણનું કામ કરવું પડે છે. 350 જેટલા શિક્ષકો સારુ કામ કરી રહ્યા છે. પણ થોડા ઘણા શિક્ષકો આવું કારણ બતાવી રહ્યું છે. તેથી મેડિકલ કારણ સાચુ છે કે નહિ તે ચેક કરવું જરૂરી. જ્યારે જ્યારે કામગીરી આવી છે ત્યારે ત્યારે શિક્ષકોએ સારી રીતે કરી જ છે. એકાદ બે એવા વ્યક્તિ છે તેઓ આડા ફાંટે છે, તેઓને સામે લાવવાના છે. ત્યારે ભાવનગરમાં સર્વેનો ટાર્ગેટ પૂરો કરવા આ પ્રકારનો પરિપત્ર કરવામાં આવ્યો છે, જેનો વિરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published.