///

Bihar Election: 3 વાગ્યા સુધીમાં 45.86 ટકા મતદાન, પૂર્ણિયામાં મતદાન કેન્દ્ર પર અથડામણ

બિહારમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન ચાલુ છે. ત્યારે બિહારમાં પૂર્ણિયા જિલ્લાના ધમદાહા વિધાનસભા વિસ્તારમાં મતદાન કેન્દ્ર પર લાઇનમાં લાગેલા મતદારોને સોશિયલ ડિસ્ટસિંગ કરવા માટે કહેવા પર અસામાજિક તત્વોએ CRPFના જવાનો સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ આ સ્થિતિને કાબુમાં લેવા માટે જવાનોએ હવામાં ગોળી ચલાવવી પડી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે ધમદાહા વિધાનસભા વિસ્તારમાં કૃત્યાનંદ નગરના અલીનગર બૂથ સંખ્યા 282 પર CRPFના જવાનોએ મતદાન માટે આવેલા લોકોને લાઇનમાં શારીરિક અંતર રાખવા માટે કહ્યુ હતું. તે દરમિયાન કેટલાક લોકો ઉત્તેજિત થઇ ગયા હતા અને જવાનો સાથે મારપીટ શરૂ કરી હતી. બાદમાં ત્યા હાજર CRPFના અન્ય જવાનોએ સ્થિતિને કાબુમાં લેવા માટે હવામાં ફાયરિંગ કર્યુ હતું.

આ ઘટનાની જાણ થતા જ પૂર્ણિયાના પોલીસ અધીક્ષક વિશાલ શર્મા ઘટનાસ્થળે પહોચ્યા હતા, તેમણે જણાવ્યુ કે, આ મામલે ચાર અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે. ઘટના પછી આ મતદાન કેન્દ્ર પર વોટિંગનું કામ શાંતિપૂર્વક ચાલી રહ્યુ છે.

બિહારમાં ત્રીજા તબક્કામાં 3 વાગ્યા સુધીમાં 45.86 ટકા મતદાન થયુ છે. બિહારના મુજફ્ફરપુરમાં 38 ટકા, દરભંગાના 39.2 ટકા, મોરવામાં 41.2 ટકા, પૂર્ણિયામાં 41.5 ટકા, જાલેમાં 41.8 ટકા, બહાદુરપુરમાં 42.1 ટકા, કટિહારમાં 41.36, અરરીયા 42.35 ટકા મતદાન થયુ છે.

Leave a Reply

Your email address will not be published.