////

Happy Birthday ‘દાદા’ : કેપ્ટન તરીકે ઓળખ ઉભી કરનાર ગાંગુલીને આ એક નિર્ણય પડ્યો હતો ભારે

સૌરવ ગાંગુલી કે જેમણે ટીમ ઇન્ડિયાને વિશ્વ કપ ફાઇનલ સુધી પહોંચાડી હતી. ક્રિકેટની દુનિયામાં ‘દાદા’ ના હુલામણા નામથી જાણીતા સૌરવ ગાંગુલીની બેટિંગ લોકોને આજે પણ યાદ છે જે ક્યારેય ભુલાશે નહીં.

ભારતીય ક્રિકેટને વિશ્વ સ્તરે એક અલગ ઓળખ અપાવનાર પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો આજે જન્મ દિવસ છે. 8 જુલાઇ 1972 ના રોજ સૌરવ ગાંગુલીનો જન્મ થયો હતો. ક્રિકેટમાં સફળ ખેલાડી અને કેપ્ટન તરીકે ઓળખ બનાવનાર ગાંગુલીએ ભારતીય ક્રિકેટને નવી ઉંચાઇ અપાવી હતી.

ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારતે 49 ટેસ્ટ મેચ રમી હતી. જેમાંથી તેઓ 21 ટેસ્ટ જીતવામાં સફળ રહ્યા હતા. જ્યારે 13 મેચમાં હાર મળી હતી. 21 જીત પૈકી 11 ટેસ્ટ મેચ વિદેશી ધરતી પર ટીમ ગાંગુલીએ જીતી હતી. વન ડે ક્રિકેટમાં 146 મેચમાં ગાંગુલી એ કેપ્ટનશીપ નિભાવી હતી, જેમાંથી તેણે 76 મેચમાં જીત મેળવી હતી. જ્યારે સળંગ બે વખત ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યુ હતુ. વિશ્વકપ 2003માં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જોકે તેમાં વિશ્વવિજેતા બનવાથી ટીમ ચુકી ગઇ હતી.

2002 માં રમાયેલી નેટવેસ્ટ ફાઇનલને કોણ ભૂલી શકે છે. ભારતીય ટીમે 146 રન પર 5 વિકેટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડના સ્કોર 325ને પાર કર્યો હતો. ભારતની આ જીતમાં મોહમ્મદ કેફ અને યુવરાજ સિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ગાંગુલીએ લોર્ડસની બાલકનીમાં ટીશર્ટ કાઢીને ફેરવ્યું હતું. જે આજે પણ કોઇ ભુલી શકે નહીં.

સૌરવ ગાંગુલી એવા સમયે ભારતીય ટીમની કમાન હાથમા લીધી હતી, જે સમયે ભારતીય ક્રિકટ વિવાદોમાં હતુ. મેચ ફિક્સીંગને લઇ અનેક મોટા નામ ફિક્સીંગના મામલામાં આવી ચુક્યા હતા. ભારતીય ટીમે યુવા ખેલાડીઓના સહારે વિશ્વમાં ટોચની ટીમોમાં સ્થાન જમાવી દીધુ હતુ. 2001 માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની જીત, 2004 માં પાકિસ્તાનને તેના જ ઘરમાં વન ડે અને ટેસ્ટમાં હરાવી દીધુ હતુ.

આખરી ટેસ્ટ રમનાર ખેલાડી સૌરવ ગાંગુલીની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે કે, આજે તેમના જન્મ દિવસે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યા છે. પોતાની કેરિયરની શરૂઆતમાં પ્રિન્સ ઓફ કોલકત્તા, બંગાળ ટાઇગર અને મહારાજા એવા નામથી મશહુર સૌરવ જ્યારે 2008માં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી ત્યાં સુધી તે બધાના દાદા બની ચૂક્યા હતા.

સૌરવ ગાંગુલી ભારતના સફળ કપ્તાનો પૈકીના એક છે. મહેન્દ્ર સિંહ ધોનીથી લઇને વિરાટ કોહલી સુધી આજે એ કેપ્ટન ભલે આગળ નીકળી ગયા હોય પરંતુ લોકો જાણે છે કે, એ સૌરવ ગાંગુલી જ હતા કે જેમણે દુનિયાના દિગ્ગજ ક્રિકેટરોની સામે રમત દાખવી હતી. સૌરવ ગાંગુલીએ 113 ટેસ્ટમાં 7212 રન અને 311 વન ડેમાં 11,363 રન બનાવ્યા છે. ગાંગુલીએ વનડેમાં કુલ 22 સદી ફટકારી, જેમાં 18 સદી તેણે ભારતની બહાર ફટકારી છે. 

ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી બાદ વર્ષ 2007માં પાકિસ્તાન વિરુદ્ધ 239 રન બનાવ્યા હતા. બેંગલુરૂમાં રમેલી આ ઈનિંગ તેમના આંતરરાષ્ટ્રીય કરિયરની એકમાત્ર બેવડી સદી છે. 2008માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુરમાં તેમણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. 

સૌરવ ગાંગુલીની એક ભૂલથી ગાંગુલી તો શિકાર બન્યા જ પરંતુ સાથે ટીમ ઇન્ડિયાને પણ ઘણું સહન કરવું પડ્યું હતુ. ગાંગુલીએ આ ભૂલ 2004માં કરી હતી. કોચ જ્હોન રાઇટના જવાથી ગાંગુલીએ ટીમ ઇન્ડિયાના કોચ તરીકે ગ્રેગ ચેપલનું નામ સૂચવ્યું. જે માટે અન્ય વરિષ્ઠ ક્રિકેટરોએ ગાંગુલીને આ નામ પર ફરી એકવાર વિચાર કરવા પણ કહ્યું હતુ, પરંતુ ગાંગુલી ચેપલ માટે અડગ હતા. ગાંગુલી પોતાની આ ભૂલ અંગે પોતાની આત્મકથા ‘અ સેન્ચૂરી ઇઝ નોટ ઇનફ’ માં લખ્યું છે કે, મને લાગ્યું કે, ગ્રેગ ચેપલ પડકારજનક પરિસ્થિતિઓમાં ટીમ ઇન્ડિયાને નંબર વનના સ્થાને લઇ જવા માટે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ સાબિત થશે. મેં જાતે જ જગમોહન ડાલમિયાને પોતાની આ પસંદગી અંગે વાત કરી હતી. સુનિલ ગાવસ્કર સહિતના કેટલાક લોકોએ મને આવું ન કરવાની પણ સલાહ આપી હતી. આમ, છતાં હું મારા નિર્ણય પર અડગ હતો અને ચેપલની એન્ટ્રી થઇ.

ચેપલે ટીમ ઇન્ડિયામાં ફૂટ પડાવી અને ગાંગુલીની કેપ્ટનશીપ પણ છીનવાઇ ગઇ. પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી કે વિશ્વકપ 2007 માં બાંગ્લાદેશ સામે હારીને ટીમ ઇન્ડિયા બહાર થઇ ગઇ. ગાંગુલીએ આ અંગે પોતાની આત્મકથામાં લખ્યું છે કે, કપ્તાની છીનવાઇ જવી એ એક આકસ્મિક ઘટના હતી. પરંતુ મારી સાથે જે જે થયું એ અન્ય કોઇ સાથે ન થવું જોઇએ. ગાંગુલી જ નહીં મોહમ્મદ કૈફ અને સચિન તેંદુલકર પણ આ નિર્ણયથી મુશ્કેલી વેઠવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published.