ભાજપ શહેર ઉપપ્રમુખ અને નિવૃત ઈન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ ગળે ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે ફરિયાદ પણ નોંધાઈ છે. હાલ તેઓને અઠવાગેટ સ્થિત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
મળતી માહિતી મુજબ, પીવીએસ શર્માના ઓફિસ સહિતના ઠેકાણાંઓ પર આવકવેરા વિભાગે થોડા દિવસો પહેલા દરોડા પાડ્યા હતાં. ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર પીવીએસ શર્મા સહિત અન્ય એક સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પીવીએસ શર્મા અને કંપનીના ડાયરેક્ટર સામે IPC કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધ્યો છે.
છેલ્લાં બે દિવસથી પીવીએસ શર્માનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તેઓએ આત્મઘાતી પગલું ભરી લેતા તેમના પરિવારજનો તથા શહેર ભાજપના આગેવાનો હોસ્પિટલ સ્થિત દોડી ગયા હતાં. હાલ તેઓની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.