///

રાજધાની દિલ્હીમાં અજાણ્યા શખ્સોએ ભાજપ નેતાની ગોળી મારીને કરી હત્યા

દેશની રાજધાની દિલ્હીમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. દિલ્હીમાં નંદ નગરી વિસ્તારમાં આવેલા સુંદર નગરી વિસ્તારમાં ભાજપના નેતા અને RTI કાર્યકર ઝુલ્ફીકાર કુરેશીની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી. સાથે જ આ અજાણ્યા શખ્સોએ ઝુલ્ફીકાર કુરેશીના પુત્ર પર પણ ચાકુથી હુમલો કર્યો હતો.

ભાજપના નેતા ઝુલ્ફીકાર કુરેશીના પુત્રને દિલ્હી પોલીસે સ્વામી દયાનંદ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. તેની હાલત ઘણી નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સાથે જ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને કુટુંબના કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે આ અંગે અત્યાર સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

તો બીજી બાજુ દિલ્હીમાં થયેલી આ હત્યાએ રાજકીય વર્તુળોમાં પણ હલચલ મચાવી દીધી છે. જેને લઈને ભાજપે આ અંગે આક્રોશની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, ઝુલ્ફીકારે આરટીઆઇ કાર્યકર બનવાની કિંમત ચૂકવવી પડી છે. તેમણે આરટીઆઇ કાર્યકર તરીકે ઘણી બધી બાબતોનો પર્દાફાશ કર્યો હતો. ભાજપે જણાવ્યું હતું કે, ઝુલ્ફીકાર હિંમતવાન આગેવાન હતા, તેમની આ પ્રકારની હત્યાની તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ થવી જ જોઈએ. તેઓ ભાજપમાંથી લઘુમતી સમાજના આગેવાન તરીકે ઉભરી આવેલા નેતા હતા. તેઓ નવા મુસ્લિમોની યુવા પેઢીનું પ્રતિનિધિત્વ કરતા હતા, જે રોજગારલક્ષી અભિગમ ધરાવે છે.

તો આ મામલે કોંગ્રેસે જણાવ્યું હતું કે, આ પ્રકારની રાજકીય હત્યાઓ દ્વારા આમ આદમી પાર્ટી જે પોતાને સ્વચ્છ રાજકારણની અગ્રણી પાર્ટી ગણાવે છે, તેની પાસે આ પ્રકારની બાબતો સાથે ડીલ કરવા માટે શું પગલું છે. આ પ્રકારે દિનદહાડે થતી હત્યા દિલ્હીનું વરવું બની ગયેલું રાજકારણ દર્શાવે છે. લોકોએ આમ આદમી પાર્ટીને ખોબલે-ખોબલે મત શું આ પ્રકારના હિંસાત્મક રાજકારણ માટે આપ્યા હતા. દિલ્હીમાં થઈ રહેલી હત્યાઓને રોકવામાં આમ આદમી પાર્ટી સદંતર નિષ્ફળ રહી છે. આ પ્રકારની હત્યાઓ દિલ્હી જેવા શહેરની પ્રતિષ્ઠાને પણ અસર પહોંચાડે છે.

Leave a Reply

Your email address will not be published.