///

પશ્ચિમ બંગાળમાં BJP અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર પથ્થરમારો

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર આજે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કરી અને રસ્તાને બ્લોક કરવાની કોશિશ કરી હતી. જેપી નડ્ડા પોતાના પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસના બીજા દિવસે ડાયમન્ડ હાર્બર જઈ રહ્યા હતાં. તે દરમિયાન રસ્તામાં તેમની ગાડી પર ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો.

પ્રદર્શનકારીઓએ 24 પરગણા જિલ્લામાં ડાયમન્ડ હાર્બર પાસે જેપી નડ્ડાના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. તે દરમિયાન કાફલામાં સામેલ ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની ગાડીનો કાચ પણ તૂટ્યો હતો. આ તકે ભાજપની બંગાળ શાખાએ વીડિયો શેર કરતા આ કૃત્યને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું.

આ અગાઉ ભાજપે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર મારપીટનો આરોપ પણ લગાવ્યો હતો. પાર્ટીએ કહ્યું કે ટીએમસી કાર્યકરોએ તેમના કાર્યકરો સાથે મારપીટ કરી. એટલું જ નહીં કાર્યક્રમ સ્થળ પર પાર્ટીના બેનરોને પણ ફાડવામાં આવ્યા હતાં. જો કે તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આ આરોપોને ફગાવ્યા છે. તેમનું કહેવું છે કે આ આરોપ નિરાધાર અને રાજનીતિ પ્રેરિત છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જેપી નડ્ડાની સુરક્ષામાં ચૂકને લઈને પશ્ચિમ બંગાળ સરકાર પાસે જવાબ માંગ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે મંત્રાલયે રાજ્યના મુખ્ય સચિવ પાસે આ અંગે જવાબ માંગ્યો છે. બંગાળના ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કેન્દ્રીય ગૃહપ્રધાનને પત્ર લખીને બંગાળમાં જેપી નડ્ડાના પ્રવાસ પર સુરક્ષાને લઈને કરાયેલી વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.