////

પશ્ચિમ બંગાળમાં જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા બાદ BJPએ TMCને આપી બદલાની ધમકી

પશ્ચિમ બંગાળમાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા તેમજ બંગાળમાં ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયની કાર પર પત્થર ફેંકવાની ઘટના બાદ પાર્ટી દ્વારા સત્તા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસને બદલો લેવાની ચેતવણી આપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આ મહિનાના અંતમાં બંગાળનો પ્રવાસ કરવાના છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે સોશિયલ મીડિયા દ્વારા ચેતવણી આપતા કહ્યું કે, અમને ઇજા પહોચાડો, પરંતુ એટલી જ જેટલી પોતે સહન કરી શકો. હું લાલ ડાયરીમાં બધુ લખી રહ્યો છું. અમે વ્યાજ સહિત તમને એ પરત કરીશું.

મહત્વનું છે કે, આ પ્રથમવાર નથી જ્યારે ભાજપે નારો આપ્યો છે કે બદલાવ થશે અને બદલો પણ લઇશું. આ નારાને વર્ષ 2011ની ઐતિહાસિક વિધાનસભા ચૂંટણી પહેલા TMCના સુપ્રીમો મમતા બેનરજી દ્વારા આપવામાં આવેલા નારાના જવાબમાં જોવામાં આવી રહ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે, પરિવર્તનની જરૂર છે, ના કે બદલો લેવાની. આ ચૂંટણીમાં મમતા બેનરજીએ લેફ્ટ પાર્ટીના 34 વર્ષના શાસનને ઉખાડીને ફેક્યું હતું.

TMCના સમર્થકો દ્વારા દક્ષિણ 24 પરગણા જિલ્લામાં નડ્ડાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને લઇને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો હતો. જોકે, મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે, ભાજપે જનતાનું ધ્યાન પોતાની તરફ ખેચવા માટે હુમલાનું નાટક કર્યુ છે. તો બીજી બાજુ ભાજપે આરોપ લગાવ્યો છે કે, 100થી વધુ પાર્ટી કાર્યકર્તા માર્યા ગયા છે અને લગભગ 1500 કાર્યકર્તા TMCના શાસન દરમિયાન ખોટા કેસમાં ફસાવ્યા બાદ જેલમાં બંધ છે.

Leave a Reply

Your email address will not be published.