///

Farmer Protest : રાજ્યમાં ખેડૂતોના આંદોલન સામે ભાજપ 9 ખેડૂત સંમેલન કરશે

ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્યમથક કમલમ ખાતે ભાજપની બે દિવસીય ચિંતન બેઠક યોજીઈ હતી. ત્યારે આ ચિંતન બેઠકમાં ભાજપે ખેડૂતોના આંદોલન સામે દેશ અને રાજ્યમાં ખેડૂત જનજાગરુક્તા સંમેલન આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર દેશમાં 700 જગ્યાએ આ પ્રકારના સંમેલન થવા જઈ રહ્યાં છે, જેમાં રાજ્યમાં 9 જગ્યાએ આવા જ સંમેલન યોજાશે. આ સાથે જ પ્રધાનોથી લઈને નેતા સુધી રાજ્યમાં 8 પત્રકાર પરિષદ સંબોધીને નવા કૃષિ કાયદાની હકીકતથી વાકેફ કરાવશે અને ખેડૂતોનો ભ્રમ દૂર કરશે.

આ ચિંતન શિબિરમાં કરવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપતા ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, શનિવાર અને રવિવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, CM વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં સંપન્ન થયેલી આ બેઠકમાં પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સહ પ્રભારી સુધીર ગુપ્તા સહિત રાજ્યના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

વડાપ્રધાન મોદી તરફથી ખેડૂતોની આવક બે ગણી કરવા માટે બનાવવામાં આવેલા નવા કૃષિ કાયદાની હકીકતથી ખેડૂતોને વાકેફ કરવા માટે પાર્ટી તરફથી દેશભરમાં આયોજિત કરવામાં આવનારા 700 કિસાન સંમેલનમાંથી 9 સંમેલન રાજ્યમાં કરવામાં આવશે. રાજ્યમાં 8 જગ્યાએ પત્રકાર પરિષદ કરવામાં આવશે.

આ ઉપરાંત બેઠકમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન 26 ડિસેમ્બરે રાજ્યમાં 61 હજાર બૂથો પર શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. જેમાં રક્તદાન શિબિર કરીને વાજપેયીના જન્મદિનને સુશાસન દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપવામાં આવશે. આ સિવાય 11 ફેબ્રુઆરીએ જનસંઘના સ્થાપક અને અંત્યોદય યોજનાના પ્રણેતા પંડિત દીન દયાળ ઉપાધ્યાયના નિર્વાણ દિનને સમગ્ર રાજ્યમાં “સમર્પણ દિન” તરીકે મનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.