///

રાજ્યમાં આજથી કૃષિ કાયદાના ફાયદા ગણાવવા ભાજપનું કિસાન સંમેલન શરૂ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ ગુજરાતમાં યોજાનાર કિસાન સંમેલનોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેશનાં ખેડૂત સ્વતંત્ર રીતે ખેત પેદાશો વેચી શકે, વચેટીયાઓથી છૂટકારો મેળવી શકે. ન્યુનતમ ટેકાના ભાવે MSPની વ્યવસ્થા અને સરકાર દ્વારા પણ ખરીદી ચાલુ રહે તે માટે વડાપ્રધાન મોદી ખેડૂતની આવકને બમણી કરવા સતત પ્રયાસો કરી રહ્યાં છે. કૃષિ સુધારબિલ કિસાનની સ્વતંત્રતા, કિસાનહિત અને કિસાન ઉત્કર્ષ માટે છે. તેનો વધુને વધુ પ્રચાર કરવા માટે કેન્દ્રીય ભાજપે દેશમાં 700 પત્રકાર પરીષદો અને 700 સ્થાનો ઉપર કિસાન સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે ગુજરાત ભાજપે પણ ગુજરાતમાં 10 કિસાન સંમેલનો યોજવાનો નિર્ણય કર્યો છે અને 10 પત્રકાર પરિષદ પણ યોજાશે. આ સંમેલનોમાં પ્રદેશ અગ્રણીઓ, સંસદસભ્ય, ધારાસભ્યઓ ઉપસ્થિત રહેશે.

ગઇકાલે બુધવારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરત ખાતેથી કિસાન સુધારબિલ, કિસાનહિતના નિર્ણયો, યોજનાઓની જનજાગૃતિ માટે પત્રકાર પરિષદ યોજી હતી. આ તકે પ્રદેશ પ્રવક્તા પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ગુરૂવારના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બારડોલી ખાતે, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પંચમહાલ જીલ્લાના મોરવા હડફ, કેન્દ્રીય કૃષિપ્રધાન પરષોત્તમ રૂપાલા રાજકોટના પડધરી, રાજય કૃષિ પ્રધાન આર.સી.ફળદુ અમરેલીના સાવરકુંડલા તેમજ બનાસકાંઠાના ડિસામાં ગોરધન ઝડફિયા કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહીને કિસાન હિતકારી નિર્ણયોની માહિતી આપશે.

આ ઉપરાંત આવતીકાલ શુક્રવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી નવસારીના ચિખલી અને 19 ડિસેમ્બરના રોજ આણંદના કરમસદ ખાતે, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કચ્છના માધાપર, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી જૂનાગઢના કેશોદ અને કેન્દ્રીય કૃષિ પ્રધાન પરષોત્તમ રૂપાલા મહેસાણાના વિજાપુર ખાતે કિસાન સંમેલનોમાં ઉપસ્થિત રહીને ખેડૂતોને માર્ગદર્શન આપશે.

આ કિસાન સંમેલનોમાં કૃષિ સુધાર બિલ અંગેના મુદ્દાઓની અને ખેડૂતના હિતકારી પગલાંઓની જાણકારી આપવામાં આવશે અને ખેડૂતોમાં ભ્રમ ઊભો કરીને ગેરસમજ દ્વારા ગેરમાર્ગે દોરનારા કોંગ્રેસ અને ખેડૂત હિત વિરોધી લોકોને ખુલ્લા પાડવામાં આવશે. તેવુ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.