/

રાજ્યના 7.53 લાખથી વધુ શ્રમયોગીઓને બોનસ ચુકવાયુ

આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને સમગ્ર રાજ્યના શ્રમયોગીઓને વર્ષ 2019-20ના વર્ષના બોનસની રકમ સમયસર મળી રહે અને કોઇ મુશ્કેલી ઊભી ન થાય તે માટે શ્રમ આયુક્તની કચેરી, ગાંધીનગર દ્વારા આગોતરી કાર્યવાહી હાથ ધરી સધન પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. જેના પરિણામે રાજ્યના ઔદ્યોગિક એકમો/સંસ્થાઓ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યમાં 7 લાખ 53 હજાર 146 શ્રમયોગીઓને 807.19 કરોડ રૂપિયાની રકમ બોનસ તરીકે ચુકવણી કરવામાં આવી છે. ઔદ્યોગિક એકમો/સંસ્થાઓ દ્વારા તેઓના શ્રમયોગીઓને બોનસની ચુકવણી કરવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહેલી છે તેમ શ્રમ આયુક્ત કચેરીની યાદીમાં જણાવાયું છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને દેશ-વિદેશમાં વસેલા ગુજરાતી પરિવારોને દિવાળી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેઓએ જણાવ્યું કે, પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ અને ઉલ્લાસ સાથોસાથ સમાજ જીવનમાં નવી તાજગી અને ચેતનાનો સંચાર કરતા હોય છે. દિવાળીના પર્વને અંધકારથી પ્રકાશ અને ઊજાસ તરફના પ્રયાણ પર્વ વર્ણવતાં આ ઊજાસ પર્વ સૌના અંતરમનના તિમિર દૂર કરી સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય સુખાકારી અને ઓજસ પ્રત્યેકના જીવનમાં પ્રગટાવે તેવી મંગલ કામનાઓ વ્યકત કરી છે.

મુખ્યપ્રધાને વિક્રમ સંવતનું નૂતન વર્ષ સૌ માટે ખૂબ સમૃદ્ધિવાળું નિવડે તેવી શુભેચ્છા આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે આપણે સૌ નિયમોનું પાલન કરી દિપાવલી પર્વ ઉજવીએ. સંયમ સાથે ઉત્સવો ઉજવવા અને સાથોસાથ કોરોનાથી દૂર રહેવા હાર્દભરી અપીલ કરતાં કહ્યું કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, દો ગજ કી દૂરી જેવા નિયમો અવશ્ય પાળવા પણ અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીએ હારશે કોરોના–જિતશે ગુજરાતનો સંકલ્પ નૂતન વર્ષે ચરિતાર્થ કરવાની પ્રેરણા આપતાં સૌને દિવાળી-નૂતનવર્ષની શુભેચ્છાઓ આપી છે.

Leave a Reply

Your email address will not be published.