
સમગ્ર દેશમાં કોરોના મહામારીનો કારણે લોકડાઉનની સ્થિતિ છે ત્યારે બોટાદ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ દ્વારા બોટાદના ગરીબ પરિવારો માટે આગેકૂચ કરી છે. ધારાસભ્ય અને ઉર્જામંત્રી દ્વારા ગરીબ પરિવારો પોતાના ઘરે જ ગરમ ટિફિન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પોતાના ઘર સુધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પરિવારોને સમયસર ગરમ ભોજન મળી રહે તે માટે સ્વયંસેવકો મારફતે થતી હોમ ડિલિવરીનું બોટાદમાં મંત્રીશ્રી પટેલ દ્વારા રૂબરૂ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મંત્રીશ્રી સૌરભ પટેલે સ્વયં જવાબદારી સ્વીકારીને સ્વ ખર્ચે બોટાદ શહેરના તુરખા રોડ પર રસોડું ખોલી આ સેવા શરૂ કરી છે. કાર્યકર્તા-સ્વયંસેવકો દ્વારા આ સેવાનો આરંભ કરી ૧૭૦૦ જરૂરિયાતમંદોને ટિફિન મારફતે ભોજન પહોંચાડવામાં આવે છે. હાલ બોટાદ અને પાળીયાદમાં સવાર – સાંજ મળીને ગરીબ પરિવારોને ૬ હજાર ટિફિન પાર્સલ કરીને તેમના ઘરે મોકલવામાં આવી રહ્યા છે. જેમાં બોટાદ શહેર અને પાળીયાદ ગામના ગરીબ પરિવારના સભ્યો લાભ લઇ રહ્યા છે. એટલું જ નહિ, ગરીબ પરિવારોને સંક્રમણથી બચાવવા ૫ હજાર માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.