///

અમદાવાદના અખબારનગર અંડરપાસમાં BRTS બસ દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ

અમદાવાદમાં આવેલા અખબારનગર અંડરપાસ નજીક BRTS બસના ચાલકે કાબુ ગુમાવતા બસ સીધી દિવાલ સાથે અથડાઇ હતી. જેને પગલે બે લોકોને ઈજા પહોંચી છે. આ બે ઈજાગ્રસ્તમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે. ડ્રાઇવર ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અમદાવાદના અખબારનગર અંડરપાસ નજીક RTO તરફથી BRTS આવી રહી હતી. તે દરમિયાન BRTS બસના ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા સીધી અંડર પાસના પીલ્લર સાથે ધડાકાભેર અથડાઇ હતી. જોકે બસના વચ્ચેથી બે ભાગ થઇ ગયા હતા. આ દૂર્ઘટનામાં બસનો ડ્રાઇવર ઇજાગ્રસ્ત થતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ પોલીસને થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે આ અકસ્માતના કારણે અંડરપાસમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, પ્રગતિનગર નજીક બસ ખખડધજ હાલતમાં હતી અને બસનું સ્ટેયરિંગ લોક થઇ ગયુ હતું જેને કારણે અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરને તાત્કાલીક 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.