//////

આ માતાજીના મંદિરમાં કોઇ પુજારી નહી, પરંતુ દેશના જવાનો આરતી ઉતારે છે

ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બનાસકાંઠા જિલ્લાના અફાટ રણમાં આવેલા નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે. જે સમગ્ર દેશનાં રક્ષક દેવી તરીકે પૂજાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે તેની પૂજા અર્ચના પુજારી દ્વારા નહીં પણ ભારતીય સૈન્યના જવાનો દ્વારા થાય છે.

ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર કચ્છના રણમાં બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું સ્થાનક આવેલું છે. નડેશ્વરી માતા આ વિસ્તાર ઉપરાંત સમગ્ર દેશમાં રક્ષક દેવી તરીકે પૂજાય છે. અહીં માતાજીના પરચા અને વૈભવનો અનોખો ઇતિહાસ છે.

રણનો વિશાળ પટ માભોમને રક્ષતા સૈનિકો અને શ્રધ્ધાળુઓથી ઉભરાતો આ રણધ્વિપ ભકિત અને શકિતનો સુભગ સમન્વય ધરાવે છે. વાવ તાલુકાના સુઇગામથી આશરે 20 કી.મી. દૂર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ ‘નડાબેટ’ લાખો લોકોની શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે.

દર વર્ષ અહીં ચૈત્ર નોમના દિવસે મેળો ભરાય છે. જેમાં હજારો યાત્રિકો નડેશ્વરી માતાના દર્શને ઉમટે છે. નડાબેટ નજીક આવેલા BSF કેમ્પના જવાનો પણ શ્રધ્ધાથી માતાજીની પુજા-આરાધના કરે છે. કોઈ પૂજારી નહિ પણ અહીં દેશના જવાનો જ આરતી ઉતારતા હોય તેવું આ અલૌકીક સ્થાનક છે.

BSF જવાન અને પૂજારીએ આ મંદિર અંગે કહ્યુ છે કે, ‘રણ વિસ્તારમાં કોઈ જ પૂજા માટે આવતું ન હતું. જેથી વર્ષોથી આ મંદિરમાં દેશની સુરક્ષા કરતા જવાન જ પૂજા કરે છે.’

એક સાહિત્યકારે આ મંદિરની કથા સંભળાવતા કહ્યું છે કે, ‘રાજા નવઘણ પોતાની બહેનને બચાવવા મુસ્લિમ હુકુમત પર આક્રમણ કરે છે, ત્યારે અહીં ચારણ કન્યાઓ રાજાને રણમાં માર્ગ બતાવે છે. જે આજે નડેશ્વરી માતાજી તરીકે પૂજાય છે.’

મંદિરના ટ્રસ્ટી, હરજી રાજપૂતે જણાવ્યું કે, આ જૂનું પૌરાણિક મંદિર છે, પહેલા નાનું ડેરુ હતું. મારા પિતા સરપંચ હતા. તેઓએ અહીંનો વિકાસ કર્યો. અહીં અન્નક્ષેત્ર અને ધર્મશાળા ખોલી છે. જ્યાં સુરત, અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાંથી પણ લોકો દર્શન કરવા આવે છે.

ટ્રસ્ટી, બાવાભાઈ ચૌધરી આ મંદિરની વિશેષતા જણાવતા કહ્યું કે, ‘ભારત પાકિસ્તાનનાં યુદ્ધ વખતે આપણા સૈન્યને માતાજીએ આશીર્વાદ આપતા વિજય થયો હતો. દુષ્કાળના સમયમાં સ્વામી સચિદાનંદજીએ મુલાકાત લીધી અને ત્યાર બાદ અહીંનો વિકાસ થતો રહ્યો છે.

હાલ ભલે આ અફાટ રણ હોય પરંતુ આઝાદી પહેલાં નડાબેટની ખુબજ જાહોજલાલી હતી. પુષ્કળ ખડીધાસ થતું. જાગીરદારો તથા માલધારીઓ અહીં રહેતા હતા. કુદરતી ઝરણાં વહેતા હતા. દુષ્કાળના વખતમાં લોકો સિંધ પ્રદેશ તરફ મજુરી માટે જતા ત્યારે નડેશ્વરી માતાને વંદન કરીને પ્રસાદી ચડાવીને પસાર થતા. હાલમાં નડેશ્વરી માતાજીના મંદિરની બાજુએ ગૌશાળા પણ આવેલી છે. અહીં BSFનો કેમ્પ ઉપરાંત બોર્ડર આઉટ પોસ્ટ ચોકી પણ છે. જ્યાં તાજેતરમાં જ સરકાર દ્વારા સીમા દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરેલી છે.

Leave a Reply

Your email address will not be published.