કોંગ્રેસ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલ સુપુર્દે ખાક થયા છે. રાહુલ ગાંધીએ પણ અહેમદ પટેલને કાંધ આપી હતી. અહેમદ પટેલની દફનવિધિમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. અહેમદ પટેલની દફનવિધિ તેમની અંતિમ ઇચ્છા અનુસાર તેમના માતા-પિતાની બાજુની કબરમાં કરવામાં આવી હતી.
આ ઉપરાંત સોનિયા ગાંધીએ મર્હુમ અહેમદ પટેલ માટે શ્રદ્ધાંજલિ માટે પુષ્પ મોકલ્યા હતા. ત્યારે અહેમદ પટેલની દફનવિધિમાં દેશના ટોચના નેતાઓનો રાજકીય જમાવડો જોવા મળ્યો હતો. જેમાં કર્ણાટકના કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર સહિત શંકરસિંહ વાઘેલા, હાર્દિક પટેલ, અર્જૂન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, જયંત બોસ્કી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
અહેમદ પટેલના પાર્થિવ દેહને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. અહીથી સીધા કબ્રસ્તાનમાં લઇ જઈને નમાઝ અદા કર્યા બાદ તેમની દફન વિધિ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, રાત્રે જ પંચાયત દ્વારા ગામની સફાઇ કરી સેનેટાઇઝ સહિત જંતુનાશક દવાઓનો છંટકાવ કરાયો હતો. પિરામણ ગામના અગ્રણીઓ દ્વારા અહેમદ પટેલના પરિવારને મળવા માટે આવતા લોકો માટે પણ વિવિધ વ્યવસ્થા કરવામાં આવી હતી.