///

નવસારીના નેશનલ હાઈવે 48 પર બસ અકસ્માત સર્જાયો, મુસાફરોનો આબાદ બચાવ

રાજ્યમાં અકસ્માતના બનાવની જાણે કે વણઝાર સર્જાઈ છે. તેમ રાજ્યમાં આજે સવારથી જ બે ગંભીર અકસ્માત સર્જાયા છે. જેમાં વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે થયેલા અકસ્માતમાં 12 મુસાફરોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ, સુરેન્દ્રનગરના લખતર રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો ત્રીજો અકસ્માત નવસારીના હાઈવે પર સર્જાયો છે. જોકે, આ અકસ્માત દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી.

આ અંગે મળેલી માહિતી પ્રમાણે નવસારીમાં નેશનલ હાઈવે નંબર 48 પર ખાનગી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં ચીખલી નજીક કન્ટેનરની પાછળ ખાનગી લક્ઝરી બસ અથડાઈ હતી. મધ્યપ્રદેશથી નીકળેલી આ લક્ઝરી બસમાં મજૂરો સવાર હતા, જેઓ મુંબઈના પાલઘર જવા માટે નીકળ્યા હતા. આ બસ અકસ્માતમાં બસને નુકસાન પહોંચ્યું હતુ તેમજ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતમાં બસનો ક્લીનર, એક બાળકી અને અન્ય મળીને કુલ ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે.

તો બીજી બાજુ ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર નવા વર્ષની રાત્રિએ જ મોટી હોનારત થતાં અટકી હતી. સુરતથી સોમનાથ જઇ રહેલી ખાનગી લકઝરી બસના ડ્રાયવરે આરટીઓ ઓફિસ પાસે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બસ ડીવાઇડર પર ચઢી ગઇ હતી. ત્યારે બેકાબૂ બનેલી બસ બે લેનની વચ્ચે આવેલાં ડિવાઇડર પર ચઢી ગઇ હતી. જોકે બસ પલટી ન મારી જતાં મોટી હોનારત થતાં અટકી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તહેવાર નિમિત્તે ખાનગી તથા સરકારી બસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. એવામાં ખાનગી બસોના ડ્રાઈવરો રાત્રિના સમયે બસો પૂરપાટ ઝડપે ચલાવતાં હોવાથી અકસ્માતના બનાવો બનતાં હોય છે.

Leave a Reply

Your email address will not be published.