///

ભારત સરકારની વોડાફોન બાદ બીજી હાર, કેયર્ન એનર્જીએ જીત્યો ટેક્સ વિવાદ કેસ

ભારત સરકાર સામે કેયર્ન એનર્જીએ એક ટેક્સ વિવાદનો કેસ જીતી લીધો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયમાં મોદી સરકાર માટે આ બીજો મોટો ફટકો ગણી શકાય. આ અગાઉ પણ ભારત સરકાર ટેક્સ વિવાદ માટે વોડાફોન ગ્રુપ સામે કેસ હારી ચૂકી છે. હવે ભારત સરકારે આ કંપનીને 8,800 કરોડ રૂપિયાની રકમ ચૂકવવી પડશે. વોડાફોનનો ટેક્સ વિવાદ પણ 20 હજાર કરોડ રૂપિયાનો હતો.

આ અંગે ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલે કેયર્ન એનર્જીના પક્ષમાં ચૂકાદો આપતા કહ્યું કે, 1.2 અબજ ડૉલર ટેક્સની માંગ યોગ્ય નથી. ટિબ્યૂનલે ભારત સરકારને કહ્યું છે કે, કંપનીનું જે ફંડ સરકાર પાસે છે, તે વ્યાજ સહિત કંપનીને પરત કરવામાં આવે.

નોંધનીય છે કે, ભારત સરકારે કેયર્ન ઈન્ડિયાના ટેક્સ રિફંડને રોકી રાખ્યું છે. આ સાથે જ ડિવિડન્ડ પણ જપ્ત કરી લીધુ છે અને બાકીના ટેક્સની ચૂકવણી માટે કેટલાક શેર વેચ્યા પણ છે. હવે આ ચુકાદા બાદ સરકારને આ રકમ વ્યાજ સહિત સ્કૉટલેન્ડની ઑયલ એક્સપ્લોરર કંપનીને ચૂકવવી પડશે. જો કે ભારત સરકાર પાસે આ મામલે અપીલ કરવાનો રસ્તો હજુ બંધ નથી થયો.

આ ઉપરાંત ટેક્સ મામલે કેયર્ન એનર્જીની આ જીત આંતરરાષ્ટ્રીય કોર્પોરેટ કેસમાં ભારતની બીજી હાર છે. આ અગાઉ વોડાફોન પણ ભારત વિરુદ્ધ ટેક્સ વિવાદનો કેસ જીતી ચૂકી છે. એક વર્ષ સુધી ચાલેલા આ કેસનો ચુકાદો સપ્ટેમ્બરમાં આવ્યો, જેમાં ભારત સરકારને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારત સરકારે વોડાફોન પાસેથી 3 અબજ ડૉલર ટેક્સની ડિમાન્ડ કરી રહી હતી. ભારત સરકારે 2012ના બજેટમાં રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ લાગૂ કર્યો હતો. જે અંતર્ગત 1962 બાદ જો કંપનીની સંપત્તિ ભારતમાં છે, તો કોઈ પણ M&A પર ટેક્સ ચૂકવવો ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.