////

શું રજનીકાંત સાથે મળીને આ અભિનેતા ચૂંટણી લડશે? આપ્યો જવાબ

સુપરસ્ટાર રજનીકાંતના રાજનીતિમાં આવવાના એલાન બાદ તેમની વિવિધ પાર્ટીઓ સાથે જોડાવવાની અટકળો લગાવવામાં આવી રહી છે. ત્યારે હવે ફિલ્મથી રાજકારણમાં આવેલા અને મક્કલ નિધિ મૈયમના અધ્યક્ષ કમલ હાસને પણ રજનીકાંતની પાર્ટી સાથે જોડાવવાના પ્રશ્ન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

જેમાં કમલ હાસને રજનીકાંત સાથે હાથ મિલાવવાના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે, અમારા લોકો વચ્ચે બસ એક ફોનનું જ અંતર છે. હાસને કહ્યું કે, જો અમારી વિચારધારા સમાન છે, અને તેમાં લોકોને ફાયદો થાય છે, તો અમે અમારો ઈગો છોડીને એકબીજાનો સહયોગ કરવા માટે તૈયાર છીએ. કમલ હાસને મંગળવારે દિવગંત નેતા એમજી રામચંદ્રનના ઐતિહાસિક કાર્યોને યાદ કર્યા અને કહ્યું કે, પૂર્વ મુખ્યપ્રધાનનો સબંધ સમગ્ર તમિલનાડુ સાથે હતો.

આ ઉપરાંત AIADMKનું નામ લીધા વિના કમલ હાસને જણાવ્યું કે, જ્યારે તેમણે તાજેતરમાં પોતાના ભાષણોમાં MGRનું નામ લીધુ, તો એક પાર્ટી નારાજ થઈ ગઈ. તેમનો દાવો છે કે, MGR માત્ર તેમના જ છે. હાસને પોતાની પાર્ટી MNMની એક સભાને સંબોધતા કહ્યું કે, દિવગંત નેતા MGR તો સમગ્ર તમિલનાડુના છે, તેઓ કોઈ એક પાર્ટીના નથી. ત્યારે સમગ્ર રાજ્યની જનતા કહે છે કે, MGR તેમના છે અને જો કોઈ સત્તાધારી પાર્ટી તેમને માત્ર કોઈ એક પાર્ટીના નેતા ગણાવે છે, તો આવા વલણ વિરુદ્ધ જનતા પોતાનો નિર્ણય લેશે.

જો કમલ હાસનની વાત કરીએ તો, તેઓ પહેલાથી જ રાજનીતિમાં સક્રિય છે. તેમણે થોડા દિવસો પહેલા જ તમિલનાડુમાં આગામી વર્ષે આવનારી વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજનીતિક ગઠબંધનને લઈને અનેક વાતો કરી હતી. કમલ હાસને વર્ષ 2018માં પોતાની પાર્ટી બનાવી હતી. જેનું નામ મક્કલ નિધિ મૈય્યમ છે. ગત વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પણ તેમની પાર્ટીના ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ તેમને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે તેઓ આગામી વિધાનસભાન ચૂંટણીમાં ફરીથી મેદાનમાં ઉતરવા જઈ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.