//

ઉત્તરાખંડમાં સૌરાષ્ટ્રના યુવાઓની કારને નડ્યો અકસ્માત, 1નું મોત

દેશભરમાં અકસ્માતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેમાં અનેક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, ત્યારે આવો જ એક અકસ્માતનો બનાવ ઉત્તરાખંડથી સામે આવ્યો છે. જેમાં ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા સૌરાષ્ટ્રના યુવાનોની કારને અકસ્માત નડ્યો છે.

મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડના બદ્રીનાથ-કેદારનાથના દર્શને ગયેલા સુરેન્દ્રનગરના 3 યુવાનોની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આ યુવાનો ઈનોવા કારમાં જોશીમઠ અને બદ્રીનાથની વચ્ચે બદૌલાની પાસેથી પસાર થઈ રહ્યા હતાં, ત્યારે અલકનંદા વેલી નજીક અચાનક બેકાબુ બનેલી કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.

આ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. આ સિવાય અન્ય એક યુવક અને કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માતની જાણ થતાં જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉત્તરાખંડના અધિકારીઓ સાથે વાત કરી છે. અકસ્માતનો ભોગ બનેલા યુવકોની ઓળખ મૃગેશ રાઠોડ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ક્રિપાલ ઝાલા તરીકે થઈ છે. જેમાંથી મૃગેશનું મોત નિપજ્યું છે, જ્યારે હિતેન્દ્ર સિંહ ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. આ સિવાય અન્ય એક યુવાન ક્રિપાલસિંહ ઝાલા અને કારના ચાલક ધર્મપાલની શોધખોળ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.