////

હિંમતનગર-શામળાજી હાઇવે પર સ્કોર્પિયો પિલ્લર સાથે અથડાઇ, ત્રણના મોત

હિંમતનગર-શામળાજી હાઇવે પર ગંભોઇ પાસે બુધવારે રાતે 10 કલાકની આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં સ્કોર્પિયો જીપ રોડની બાજુના પિલ્લર સાથે અથડાઇને પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ છે. ઘાયલ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હિંમતનગર સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતની જાણ થતા ગાંભોઈ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે ત્રણ ઇજાગ્રસ્તોને 108મા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતાં. જ્યારે ત્રણ મૃતકોના મૃતદેહને ગાંભોઈ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી.

મળતી માહિતી મુજબ, આ તમામ લોકો અમદાવાદના અમરાઇવાડીના રહીશો છે. આ કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ પણ લગાડેલી હતી. આ અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિકજામ થયો હતો. પરંતુ ક્રેઇનથી ગાડી ખસેડ્યા બાદ ટ્રાફિક સામાન્ય બન્યો હતો. મૃતકોના પરિવારજનોને જાણ થતા પરિજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.