ગ્રેટર હૈદરાબાદ મ્યૂન્સિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. જેને લઈને તમામ પાર્ટીઓ જોરશોરથી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. આ દરમિયાન ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા આજે હૈદરાબાદમાં રોડ-શૉ કરવાના છે.
આ વચ્ચે હૈદરાબાદમાં ભાજપના નેતા અને સાંસદ તેજસ્વી સૂર્યા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં તેજસ્વી સૂર્યા પર ઉસ્માનિયા યુનિવર્સિટીમાં બેરિકેડિંગ તોડીને પરવાનગી વિના અંદર પ્રવેશવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ મામલે તેલંગાણાના DGPએ જણાવ્યું કે, યુનિવર્સિટીના રજિસ્ટારે ભાજપ સાંસદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ગત મંગળવારે ભાજપ નેતા તેજસ્વી સૂર્યાએ ઉસ્માનિયા યુનિવર્સિટીમાં એક સભા સંબોધી હતી. આ ફરિયાદમાં યુનિવર્સિટી સત્તાધીશો તરફથી કહેવામાં આવ્યું છે કે, તેજસ્વી સૂર્યાએ યુનિવર્સિટી કેમ્પસમાં મંજૂરી વિના રેલીનું આયોજન કર્યું હતું. આ સાથે જ NCC ગેટને તોડીને તેમણે પોતાના સમર્થકો સાથે કેમ્પસમાં પ્રવેશ કર્યા હતો. તેજસ્વી સૂર્યાની આ સભાને લઈને વિવાદ ઉભો થયો છે.
નોંધનીય છે કે, હૈદરાબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તેજસ્વી સૂર્યાએ પત્ર જાહેર કરીને પાર્ટીએ અનેક વાયદા પણ કર્યા હતા. જેમાં હૈદરાબાદમાં તાજેતરમાં વરસાદથી પ્રભાવિત દરેક પરિવારને 25 હજાર રૂપિયાની આર્થિક સહાયતા, 100 યુનિટથી ઓછા વીજ વપરાશ કરનારા પરિવારોને નિ:શૂલ્ક વીજળી પૂરી પાડવી, શહેરની બસો અને મેટ્રો ટ્રેનોમાં મહિલાઓને મફતમાં મુસાફરી સુવિધા આપવી વગેરેનો સમાવેશ થાય છે.