///

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના

આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના પગલે ખેડૂતોના હાલ બેહાલ હતાં. ખેડૂતોએ પોતાના પાક તૈયાર કર્યા બાદ વરસાદ પડ્યો હતો. હાલ ગુજરાતમાં મોટા પ્રમાણમાં શિયાળું પાકનું વાવેતર થઈ ગયું છે. ત્યારે ફરી એકવાર જગતના તાત માટે માઠા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકવાની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના પગલે આગામી 10થી 12મી ડિસેમ્બરના રોજ છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. તે દિવસો દરમિયાન સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. જેના પગલે ચોમાસા દરમિયાન ગુજરાતના ખેડૂતોએ નુકસાન સહન કરવું પડ્યું હતું. ચોમાસામાં સારા વરસાદને પગલે આ વર્ષે શિયાળું પાકનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જો હાલ વરસાદ પડે તો જીરુ સહિતના પાકને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત કપાસના પાકને પણ નુકસાન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.