///

આગામી IPLમાં થશે પરિવર્તન, 9મી ફ્રેન્ચાઇઝ તરીકે આ રાજ્યને મળી શકે છે સ્થાન

કોરોના વાઇરસના પગલે IPLની 13 મી સીઝનનું આયોજન દેશની બહાર કરવામાં આવ્યું હતું. ખાલી સ્ટેડિયમ અને બાયો બબલ વચ્ચે રમવું એ ખેલાડીઓ માટે પડકારજનક હતું. ટૂર્નામેન્ટ શેડ્યૂલથી છ મહિના મોડી પૂરા થયા બાદ હવે નવી સિઝનની વિશે પણ ચર્ચાઓ શરુ થઈ છે.

વર્ષ 2021, ટૂર્નામેન્ટની 14મી સીઝન અલગ હોવાની સંભાવના છે. રિપોર્ટ્સ અનુસાર, ભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, આઠ ફ્રેન્ચાઇઝીની આગામી સીઝનને નવ સાથે બદલાવવાનું વિચારી રહ્યું છે. આ અંગે તમામ ટીમને એક સંકેત પણ આપવામાં આવ્યો છે.

કોરોના મહામારીના પગલે અને લોકડાઉનને કારણે થયેલા આર્થિક નુકસાનને સંતુલિત કરવાનું બોર્ડનું લક્ષ્ય છે. આ વાતને લઈને એવી અટકળોને વેગ મળ્યો છે કે આગામી IPLમાં નિયમિત 8ની બદલે 9 ફ્રેન્ચાઈઝીને જગ્યાઓ મળી શકે છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા તાજેતરમાં અમદાવાદનું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. મોટેરાનું પુનર્નિર્માણ કરતી વખતે દર્શકોની ક્ષમતા એક લાખ 10 હજાર જેટલી બનાવવામાં આવી છે. રમત-ગમત સંકુલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેના પગલે 9મી ફ્રેન્ચાઇઝ અમદાવાદ હશે એવો અંદાજ છે.

આ તકે સૌરવ ગાંગુલી એ સ્પષ્ટતા કરી દીધી છે કે 2021ની IPL ફક્ત ભારતીય ભૂમિ પર જ રહેશે. મહત્વનું છે કે ભારત ઓસ્ટ્રેલીયાના આગામી પ્રવાસે જશે. ત્યારબાદ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડની ટીમ પણ ક્રિકેટ પ્રવાસ માટે ભારત આવશે. ત્યારબાદ એપ્રિલમાં નવી IPL ની સિઝન શરુ થશે.

IPL ની હરરાજી સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં થાય છે, પરંતુ આ વખતે IPL કોરોનાને કારણે મોડું થયું છે, તેથી આગામી સીઝન માટેની હરરાજી જાન્યુઆરી 2021માં થઈ શકે છે. જો કે, આ અંગે સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published.