/

પીરાણા વિસ્તારમાં લાગેલી આગના પડઘા, સમગ્ર રાજ્યના ગોડાઉન પર તપાસ

અમદાવાદના પીરાણા વિસ્તારમાં તાજેતરમાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે 12 લોકોના મોત નિપજ્યા હતાં. ત્યારે આ આગની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. જેને લઇને રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ભૂતિયા ગોડાઉન ઉપર તપાસ કરવાના આદેશ તમામ શહેર કોર્પોરેશન કમિશ્નરને આપ્યા છે. જેનો અહેવાલ આગામી 13 નવેમ્બરના રોજ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે.

આ બાબતે શ્રમ રોજગાર સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આવેલાં ગોડાઉન, વેર હાઉસ કે જે પરવાનગી વગરના હોઈ અને તેમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયું હોય તેની સંપૂર્ણ તપાસ ખાસ ઝુંબેશ થકી અમદાવાદ કોર્પોરેશન દ્વારા સત્વરે હાથ ધરાશે.
રાજ્યના અન્ય કોર્પોરેશન વિસ્તારોમાં પણ આવી ઝુંબેશ કરીને ચકાસણી કરવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ બને નહીં.

વધુમાં જણાવ્યું હતું કે, પીરાણાની ઘટનામાં ભોગ બનનારા મૃતકોને રાજ્ય સરકાર દ્વારા જે સહાય જાહેર કરાઈ છે તે તેમના પરિવારજનોને સત્વરે પહોંચાડવામાં આવશે. અમદાવાદના પીરાણા ખાતે 4 નવેમ્બરના રોજ થયેલી આગની દુર્ભાગ્યપૂર્ણ ઘટના સંદર્ભે ગેરકાયદે ધમધમતા જોખમી રસાયણોના સંગ્રહસ્થાનો અને વેરહાઉસો ઉપર કાર્યવાહી કરવા શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રા દ્વારા અમદાવાદના મ્યુનિસિપલ કમીશ્નરને એક પત્ર પાઠવીને દિશા નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.

આ ઘટના સંદર્ભે રાજ્ય સરકારે શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રા તથા ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડના ચેરમેનને તપાસ કરીને તારીખ 13 નવેમ્બર સુધીમાં જરૂરી ”એક્શન ટેકન રિપોર્ટ” સોંપવા જણાવેલુ હતું.

પોલીસ તથા અન્ય સંબંધિત તકનીકી એજન્સીઓ દ્વારા આ અંગેની તપાસ ચાલી રહી છે, તે દરમિયાન આ પ્રકારના અન્ય કેટલાક વેરહાઉસ જ્યાં જોખમી રસાયણો સંગૃહીત કરવામાં આવી રહ્યાં છે, તે ઉચિત ”ના વાંધા પ્રમાણપત્ર” (એનઓસી) વિના કે ગેરકાયદે ચાલી રહ્યા છે કે કેમ? તે અંગે કાયર્વાહી કરવી આવશ્યક છે. તે માટે એકથી વધુ વિભાગના સહકારમાં જરૂરી ટિમોનું તત્કાલ ગઠન કરીને ખાસ કરીને મ્યુનિસિપાલિટીની હદમાં ચાલતા આ પ્રકારના ગેરકાયદે વેરહાઉસિસનું સર્વેક્ષણ સમયસર હાથ ધરવું જોઈએ, જેથી જોખમી રસાયણો ગેરકાયદે સંગ્રહિત કરતા વેરહાઉસો ઉપર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી થઇ શકે અને આ લોકોની પ્રવૃત્તિને ડામી શકાય.

Leave a Reply

Your email address will not be published.