///

વિધાનસભામાં હંગામો, દિલ્હી CM કેજરીવાલે કૃષિ કાયદાની કોપી ફાડી

દિલ્હી વિધાનસભામાં નવા કૃષિ કાયદા પર મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ દરમિયાન કેજરીવાલે કૃષિ કાયદાની કોપી ફાડી નાખી હતી. તેઓએ કહ્યું કે, સરકાર વધુ કેટલા જીવ લેશે? અત્યાર સુધી 20થી વધુ ખેડૂત આ આંદોલનમાં શહીદ થઈ ચુક્યા છે. એક-એક ખેડૂત ભગત સિંહ બનીને આંદોલનમાં બેઠા છે. અંગ્રેજોથી ખરાબ ન બને સરકાર.

મુખ્યપ્રધાને કહ્યું કે, યોગી આદિત્યનાથે બરેલીમાં રેલી કરી અને ત્રણ બિલના ફાયદા સમજાવવામાં લાગ્યા કે તમારી જમીન જશે નહીં, એપીએમસી બંધ નહીં થાય. ભાજપ જણાવે કે કાયદાથી શું ફાયદો છે? ભાજપના નેતાઓને એક લાઇન ગોખવા આપવામાં આવી છે કે ખેડૂત દેશમાં ગમે ત્યાં પાક વેચી શકે છે. હવામાં વાત કરવાથી શું થશે? ખેડૂતોને નહીં ભાજપ વાળાને ભ્રમિંત કરવામાં આવ્યા છે, ભાજપ વાળાને અફીણ ખવડાવી દેવામાં આવ્યું છે.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, સુપ્રીમ કોર્ટમાં અમારા વકીલે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. કોરોના કાળમાં કેમ ઓર્ડિનેન્ટ પાસ કરવામાં આવ્યો? પ્રથમવાર રાજ્યસભામાં મતદાન વગર 3 કાયદાને પસાર કરી દેવામાં આવ્યા? આ કાયદા ભાજપના ચૂંટણીમાં ફન્ડિંગ માટે બન્યા છે.

મુખ્યપ્રધાને કહ્યું કે, દિલ્હી વિધાનસભા કેન્દ્રના કૃષિ કાયદાને નકારી રહી છે, કેન્દ્ર સરકાર અંગ્રેજોથી ખરાબ બનાવેલા કાયદાને પરત લે. દિલ્હી વિધાનસભામાં કૃષિ કાયદાને રદ્દ કરવાનો સંકલ્પ પત્ર સ્વીકારી લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે કૃષિ કાયદાને લઈને દિલ્હી વિધાનસભામાં ગુરૂવારે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. સત્રની શરૂઆત થવા પર પ્રધાન કૈલાશ ગેહલોતે એક સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો, જેમાં ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવાની માગ કરવામાં આવી છે. ત્યારબાદ દરેક વક્તાને બોલવા માટે પાંચ-પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર ગોયલ, સોમનાથ ભારતીએ ગૃહમાં કૃષિ કાયદાની કોપી ફાડી નાખી હતી. આ દરમિયાન જય જવાન, જય કિસાનના નારા લાગ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.