//

મુખ્યપ્રધાન રૂપાણીએ અનુરાધા પૌંડવાલ અને વર્ષા ત્રિવેદીને સંયુકતપણે તાના-રીરી એવોર્ડ અર્પણ કર્યો

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા તાના-રીરી એવોર્ડમાં વર્ષ 2020-21નું એવોર્ડ સન્માન પાશ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પોંડવાલ અને મૂળ ભાવનગરના વર્ષા ત્રિવેદીને સંયુકતપણે અર્પણ કરાયો છે.

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરીની સ્મૃતિમાં બંન્ને એવોર્ડ વિજેતાઓને ખાસ એવોર્ડ માટે ગાંધીનગર આંમત્રિત કરી એવોર્ડ એનાયત કર્યા હતાં. આ એવોર્ડ અન્વયે રાજ્ય સરકાર દ્વારા પાંચ લાખનો પુરસ્કાર, તામ્રપાત્ર અને શાલ દ્વારા એવોર્ડ વિજેતાનું બહુમાન કરવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં દર વર્ષે 2 દિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેને વડાપ્રધાનની પ્રેરણાથી વર્ષ 2003થી કરવામાં આવે છે. આદ્ય કવિ નરસિંહ મહેતાની બે દોહિત્રી તાના-રીરીના અમર સંગીત ઇતિહાસની સ્મૃતિ જનમાનસમાં સદાકાળ ઊજાગર રહે તેવા ઉદાત્ત ભાવ સાથે તાના-રીરી મહોત્સવ યોજાય છે. વડાપ્રધાન મોદીએ 2010ના વર્ષથી સિધ્ધહસ્ત મહિલા ગાયક સંગીતજ્ઞ, વાદ્ય કલાકારોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી છે.

આ પરંપરાને યથાવત રાખવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વર્ષ 2020-21ના તાના-રીરી એવોર્ડ ગુરુવારે ગાંધીનગરમાં એનાયત કર્યા હતાં. મુખ્યપ્રધાને સુશ્રી અનુરાધા પોંડવાલ અને વર્ષા ત્રિવેદીએ સંગીત-ગાયન ક્ષેત્રે આપેલા અમૂલ્ય પ્રદાનની પ્રશંસા કરી હતી, આ સાથે તેઓ આ પ્રદાન અવિરત આપતાં રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published.