મુખ્યપ્રધાને સિરામીક ઉદ્યોગની અગ્રગણ્ય વરમૌરા ગૃપના બે નવા પ્લાન્ટનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ઇ-લોકાર્પણ કર્યુ હતું. આ તકે મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ વરમૌરા ગૃપના પ્રકાશભાઇ વરમૌરા, ભાવેશ વરમૌરા અને અગ્રણીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતાં.
આ તકે ઇ-લોકાર્પણ કરતા મુખ્યપ્રધાને કહ્યું હતુ કે, આજનો યુગ કોમ્પીટીશનની સ્પર્ધાનો યુગ છે. ગુગલને કારણે દુનિયા પણ નાની બનતી જાય છે ત્યારે વિશ્વ સાથે બરોબરીમાં કોમ્પીટીશન કરવા સમયની સાથે પરિવર્તનો પણ આવશ્યક છે.
સિરામીક ઉદ્યોગોએ સૂઝબૂઝની પોતાની આગવી ખૂમારીથી સ્વબળે નવી ટેકનીક વિકસાવી ઉદ્યોગ-ધંધાનો વ્યાપ વિસ્તાર્યો છે. ખાસ કરીને મોરબીના સિરામીક ઉદ્યોગે ચાયનાને હંફાવીને વર્લ્ડ સિરામીક માર્કેટમાં પોતાની આગવી ઇમેજ ઊભી કરી છે. જેને લઇને મુખ્યપ્રધાને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યપ્રધાને વઘુમાં કહ્યું હતુ કે, આ વિસ્તારના ઉદ્યોગો ઓઇલ મિલ, સનમાઇકા જેવા ઉદ્યોગ ક્ષેત્રમાંથી સમય અનુકુળ પરિવર્તન કરતા આગળ વધ્યા છે અને હવે સિરામીક ઇન્ડસ્ટ્રીમાં વિશ્વમાં ખ્યાતિ મેળવી છે. આજથી દોઢ દાયકા એટલે કે ૧પ વર્ષ પહેલાં મોરબીની સ્થિતી કરતાં વર્તમાન સ્થિતી સુદ્રઢ બની છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ઘડિયાળ ઉદ્યોગ, નળિયા ઉદ્યોગ બાદ હવે સિરામીક ઉદ્યોગથી મોરબીએ ચાયનાથી વધુ લોકલ ઇન્ડસ્ટ્રીઝ અને એન્સીલીયરીઝ અહિં ડેવલપ કરી છે.