///

સરદાર સાહેબ ન હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ ભારતના નકશામાં ન હોત : CM રૂપાણી

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દેશમાં પ્રાંત, જાતિ, ધર્મ, ભાષા અને જ્ઞાતિનો કોઈ ભેદભાવ ન રહે અને એક રાષ્ટ્ર-શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય તેવો સંકલ્પ સૌ કરીએ તેમ જણાવ્યું છે. ગાંધીનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ સરદાર પ્રતિમા સમક્ષ મુખ્યપ્રધાને પુષ્પાજંલિ અર્પણ કરીને ભાવવંદના કરી હતી. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દેશ માટે સરદાર સાહેબના યોગદાનનું સ્મરણ કરતાં દેશવાસીઓમાં ઐક્યનો ભાવ વધુને વધુ પ્રસરે અને સૌ શ્રેષ્ઠ ભારતના નિર્માણ કરવાની દિશામાં આગળ વધે તેવું આહવાન કર્યું હતું. વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના જન્મ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકેની ઉજવણી કરવાની શરૂઆત કરી છે. તે પરંપરા આજે પણ ચાલુ છે.

કેવડિયા ખાતે દેશના વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યાં છે. તેની સાથે-સાથે ગુજરાતના વિવિધ સ્થળોએ પણ ગુજરાતના સપૂત અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ પુષ્પાજંલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાને આજના અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ ભારતના નકશામાં ન હોત અને આજે દેશનો નકશો કંઇક જુદો જ હોત.

વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રઘાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી અને હવે કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ બનાવી દીધું છે.

આ પુષ્પાંજલિ સમારંભમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રીટાબેન પટેલ, ગુજરાત હાઉસિંગ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ વાડીભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય અશોકભાઇ પટેલ, પૂર્વ મેયર પ્રવિણ પટેલ, ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ વગેરેએ પણ સરદાર સાહેબને પુષ્પાંજલિ આપી હતી.

Leave a Reply

Your email address will not be published.