
દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. કોરોનાનો કહેર અટકાવવાનો માત્ર એક ઉપાય લોકડાઉન છે. ત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં પણ મહેસુલ વિભાગના કર્મચારીઓ દ્વારા લોકોને આવશ્યક પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. ત્યારે ફરજ નિભાવી રહેલા મહેસૂલી વિભાગના કર્મચારીઓને વાયરસનો ચેપ લાગવાનો ભય રહે છે જેને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા કોરોનાવાયરસમાં કામગીરી કરી રહેલા મહેસૂલી કર્મચારીઓ માટે પણ વીમા કવચ જાહેર કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા પત્ર લખી મહેસૂલ વિભાગના કર્મચારીઓ માટે અપીલ કરાઈ છે. કોરોનાના કારણે ચેપ લાગવાનો ભય સતત રહેતો હોવાથી જેમ આરોગ્ય અને પોલીસ કર્મચારીઓ માટે વીમા કવચની જાહેરાત કરવામાં આવી તેવીજ રીતે મહેસૂલી કર્મચારીઓ માટે પણ જાહેરાત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.