///

Video : ચીનના Henan પ્રાંતમાં એક હજાર વર્ષ બાદ ભારે વરસાદ, ઓછામાં ઓછા 25 લોકોના મોત

ચીનના મધ્ય હેનાન પ્રાંતમાં વરસાદ અને પૂરના કારણે ઘટેલી દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે અને લગભગ બે લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. શહેરના રસ્તાઓ પાણીમાં ડૂબેલા છે અને વીડિયોમાં ગાડીઓ તરતી નજરે ચડે છે.

એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ હેનાનના હવામાન ખાતાએ જણાવ્યું કે પ્રાંતીય રાજધાની ઝેંગઝોઉમાં મંગળવારે સાંજે ચારથી પાંચ વાગ્યા વચ્ચે રેકોર્ડ 201.9 મિલિમીટર વરસાદ પડ્યો. ઝેંગઝોઉ નગર કેન્દ્રમાં મંગળવારે 24 કલાકમાં સરેરાશ 457.5 મિમી વરસાદ પડ્યો. હવામાન મામલે રેકોર્ડ રાખવાની શરૂઆત થઈ ત્યારબાદથી શહેરમાં લગભગ એક હજાર વર્ષમાં પહેલીવાર આટલો ભીષણ વરસાદ પડ્યો છે.

પૂરથી ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. જ્યારે લગભગ બે લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને ટ્રાફિક ઠપ થયો છે. લગભગ 80થી વધુ બસ સર્વિસને સસ્પેન્ડ કરવી પડી. આ ઉપરાંત 100થી વધુ રૂટ ડાયવર્ટ કરાયા છે.

પાણી ભરાવવાના કારણે સબવે સર્વિસ પણ અસ્થાયી રીતે બંધ કરાઈ છે. વરસાદના પાણી શહેરની લાઈન ફાઈવની સબવે સુરંગમાં જતું રહ્યું જેના કારણે એક ટ્રેનમાં અનેક મુસાફરો ફસાઈ ગયા. મુસાફરોને પાણીમાં ડૂબીને સફર કરવી પડે છે.

હાલાત પર કાબૂ મેળવવા માટે પોલીસ અધિકારીઓ, ફાયરકર્મીઓ અને અન્ય સ્થાનિક લોકો ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગ્યા છે. સબવેમાં પાણી ઓછું થઈ રહ્યું છે અને હાલ મુસાફરો સુરક્ષિત છે. ઝેંગઝોઉ રેલવે સ્ટેશન પર 160 થી વધુ ટ્રેનો રોકવામાં આવી. અહીં હવામાન ખરાબ હોવાના કારણે ઝેંગઝોઉના એરપોર્ટ પર શહેર આવતી જતી 260 ફ્લાઈટ્સ રદ કરાઈ છે.

આ બાજુ સ્થાનિક રેલવે અધિકારીઓએ પણ કેટલીક ટ્રેનો અટકાવી છે કે તેના સમયમાં ફેરફાર કર્યો છે. તો પ્રભાવિત શહેરમાં કેટલીક જગ્યાઓ પર વીજળી અને પીવાના પાણીની સુવિધા બંધ છે. હેનાન પ્રાંતીય અને ઝેંગઝોઉ નગરપાલિકા હવામાન વિજ્ઞાન બ્યૂરોએ હવામાન સંબંધી આફતો માટે ઈમરજનસી પ્રતિક્રિયાનું સ્તર વધારીને એક કર્યું છે. હેનાનમાં બુધવારે રાત સુધીમાં ભારે વરસાદનું અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published.