///

રાજ્યમાં બદલી માટે ખોટા મેડિકલ સર્ટીફિકેટ રજૂ કરનારા 17 શિક્ષકો સામેની તપાસ CID ક્રાઈમને સોંપાઈ

રાજ્યમાં બદલી મેળવવા માટે ખોટા મેડિકલ સર્ટીફિકેટ રજૂ કરનારા 17 શિક્ષકો સામેની તપાસ CID ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કહ્યું કે, વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ તપાસને બદલે સર્વગ્રાહી તપાસનો સરકારે નિર્ણય કર્યો છે.

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો બીમારી અંગેના બનાવટી તબીબી પ્રમાણપત્રો રજુ કરીને જિલ્લા ફેરની બદલીની માંગણી કરે છે, ત્યારે આવા સંજોગોમાં સર્વગ્રાહી તપાસ થાય એ માટે રાજ્ય સરકારે CID ક્રાઇમને તપાસ સોંપવાનો મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે.

ગૃહમંત્રી પ્રદીપસિંહે ઉમેર્યુ કે, સરકારે ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા માટે અનેકવિધ પગલાઓ ભર્યા છે અને સંબધિત અધિકારી- કર્મચારી સામે કડક હાથે કાર્યવાહી કરીને પગલાઓ લીધા છે.

મહત્વનું છે કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા 17 શિક્ષકો સામે વિવિધ જિલ્લા મથકોએ ફોજદારી તપાસ ચાલી રહી છે તેવા સંજોગોમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ તપાસ રાજ્ય કક્ષાને કરાવવા રૂપાણી સરકારને રજૂઆત કરતા આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

ત્યારે હવે CID ક્રાઇમ રાજ્યના 8 જેટલા જિલ્લાના 17 શિક્ષકો સામે FIR દાખલ કરવા શિક્ષણમંત્રી દ્વારા મંજૂરી અપાતા સંકલિત તપાસ કરવા ત્વરીત કામગીરી હાથ ધરશે.

તેમણે ઉમેર્યુ કે, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર આ 17 પ્રાથમિક શિક્ષકોએ હ્દય રોગ, કિડની, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગો સંદર્ભે ખોટા તબીબી પ્રમાણપત્રો રજૂ કરી બદલીની માંગણી કરી છે તેની પણ યોગ્ય તપાસ કરાશે.

Leave a Reply

Your email address will not be published.