///

ખેડૂતોના આંદોલન વચ્ચે કેન્દ્રીય પ્રધાનોની સ્પષ્ટતા, કહ્યું…

દિલ્હીની બોર્ડર પર થઈ રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારના પ્રધાનોએ સ્પષ્ટતા કરવાની શરૂ કરી દીધી છે. કેન્દ્રીય પ્રધાનોએ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ કૃષિ કાયદાને વિશે ગેરસમજમાં ન રહે. ખેડૂતોના પાક ખરીદવા માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)ને ખતમ કરવામાં આવ્યું નથી. નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને કહ્યું કે, ‘કૃષિ કાયદા પર ગેરસમજ ન રાખો. પંજાબના ખેડૂતોએ ગત વર્ષે સૌથી વધુ ધાન મંડીમાં વેચ્યું અને વધુ MSP પર વેચ્યું. MSP પણ જીવંત છે અને મંડી પણ જીવંત છે અને સરકારી ખરીદી પણ થઈ રહી છે.’

બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પણ ટ્વિટ કરીને કહ્યું કે, ‘નવા કૃષિ કાયદા APMC મંડીઓને સમાપ્ત કરતા નથી. બજારો પહેલાની જેમ જ ચાલુ રહેશે. નવા કાયદાથી ખેડૂતોને પોતાનો પાક ગમે ત્યાં વેચવાની આઝાદી આપે છે. જે પણ ખેડૂતોને સૌથી સારા ભાવ આપશે તે પાક ખરીદી શકશે પછી ભલે તે મંડીમાં હોય કે મંડી બહાર.’

સરકાર વાતચીત માટે તૈયાર છે પંરતુ ખેડૂતો દિલ્હી બોર્ડર પર અડગ છે કે વાતચીત અહીં જ થશે. ખેડૂતો ન તો દિલ્હી પોલીસ દ્વારા નિર્ધારિત પ્રદર્શન સ્થળ પર જઇ રહ્યાં કે ન તો દિલ્હી બોર્ડરથી હટી રહ્યા છે. ખેડૂતોની આ જાહેરાત બાદ સરકારનું ટેન્શન વધી ગયું છે.

રવિવારે ખેડૂત સંગઠનોની મીટિંગ બાદ ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધુ કે ખેડૂત પ્રદર્શન માટે બુરાડી નહીં જાય અને દિલ્હીના 5 પોઈન્ટ ઉપર જ ધરણા ધરશે. ખેડૂતોની માગણી છે કે સરકાર શરત વગર વાતચીત કરે અને તેમને રામલીલા મેદાન કે જંતર મંતર પર આંદોલન કરવાની મંજૂરી આપે.

આ વચ્ચે કિસાન નેતાઓનું કહેવું છે કે તેમની પૂરી તૈયારી છે અને જરૂર પડી તો તેમની પાસે આગામી ચાર મહિના ધરણા આપવાની વ્યવસ્થા છે. કિસાનોની જાહેરાત બાદ સરકારની ચિંતામાં વધારો થયો છે.

કિસાનોની આ ચેતવણી વચ્ચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘર પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ સિવાય રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર સામેલ થયા હતાં. મળતી માહિતી મુજબ આ બેઠક બે કલાક સુધી ચાલી હતી. આ પહેલા વડાપ્રધાન મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમા કહ્યું હતું કે, આ કૃષિ સુધારાએ કિસાનોને નવા અધિકાર અને અવસર આપ્યા છે અને ખુબ ઓછા સમયમાં તેમની મુશ્કેલીઓને ઓછી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.