///

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 આતંકીઓ ઠાર

જમ્મુના ટોલ પ્લાઝા નજીક આતંકીઓ અને સુરક્ષાદળ સાથે થયેલી અથડામણમાં 4 આતંકીઓને ઠાર મરાયા હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત હજુ પણ કેટલાક આતંકી જંગલમાં છૂપાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.

આ ચારેય આતંકીઓ ટ્રકમાં ગોળા-બારુદ લઈને જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતાં. સેનાને આ આતંકીઓ વિશેની માહિતી પ્રાપ્ત થઇ હતી. જેના પગલે આતંકીઓને નગરોટામાં આવેલા ટોલ પ્લાઝા પર રોકવામાં આવ્યા હતા. જેમાં સેનાએ આંતકીઓને સરન્ડર કરવા કહ્યું હતું, પરંતુ તેઓએ સેના પર ગ્રેનેડ ફેંક્યા હતાં. અંતે સેનાએ બ્લાસ્ટ કરીને ટ્રકને ઉડાવી દીધો હતો. જેમાં ચારેય આતંકીઓ ઠાર મરાયા હતાં. સુરક્ષા દળના સર્ચ ઓપરેશનમાં કુલ 11 AK 47 મળી આવી હતી.

આજે ગુરૂવારે જમ્મુ કાશ્મીરના બન વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો બંને તરફથી ગોળીબારી થઇ રહી છે. જેમાં સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. બીજી બાજુ ટોલ પ્લાઝા નજીક એન્કાઉન્ટરના કારણે નગરોટાની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને જમ્મુ-શ્રીનગર હાઇવેને બંધ કરાયો છે.

આતંકીઓનો સફાયો કરવા માટે સેના કમર કસી રહી છે. ત્યારે બીજી બાજુ આતંકી સંગઠન દેશમાં આતંક ફેલાવવાની તક શોધી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ પૂર્વ દિલ્હીમાં જૈશ-એ-મોહમ્મદના 2 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ બંને દિલ્હીમાં એક ઘટનાને અંજામ આપવાના હતાં.

નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં ગઇકાલે બુધવારે સુરક્ષાદળના એક દળ પર આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 12 નાગરિક ઘાયલ થયા હતાં.

Leave a Reply

Your email address will not be published.