///

મહેસાણામાં CM રૂપાણીએ 287 કરોડની પાણી પુરવઠા યોજનાઓનું કર્યું ખાતમુહર્ત

મહેસાણામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉત્તર ગુજરાતના આર્થિક-વેપારના કેન્દ્ર મહેસાણામાં 287 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાઓના ખાતુમુહર્ત કર્યું. આ દરમિયાન રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, BJPની સરકારે નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટેની અનેક યોજનાઓ શરૂ કરી અને પૂર્ણ પણ કરી દીધી છે. કોંગ્રેસના શાસનમાં લોકો ભુલાઈ ગયેલા, લોકોના પ્રશ્નો વિસરાઈ ગયેલા અમે લોક સમસ્યાના સમાધાન કરી પ્રશ્નો હલ કર્યા છે. કોંગ્રેસના શાસનમાં માથાદીઠ 45 લિટર પાણી મળતું આજે અમે માથાદીઠ 150 લીટર પાણી આપીએ છીએ.

મુખ્યપ્રધાને જણાવ્યું કે, ભાજપે એવી સંસ્કૃતિ વિકસાવી છે કે, જેના ભૂમિપૂજન થાય તેના લોકાર્પણ પણ ભાજપ સરકારના સમયમાં જ થઇ જાય છે. ભૂતકાળમાં ખાતમુહર્તનો પાયો નંખાઈ ગયા પછી 12-15 વર્ષ કોઈપણ પ્રકારની કામગીરી થાય નહીં અને યોજના માટે ફાળવેલું બજેટ ચાર ગણું થઇ જાય તેવી સ્થિતિ હતી. જેમાં ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારોની ભૂતકાળની પાણી પૂરવઠાની સ્થિતિની આલોચના કરતા જણાવ્યું કે, ફ્લોરાઇડવાળા, ક્ષારયુક્ત અને ડંકી કે બોરવેલના પાણી પીને લોકો હાથીપગા, હાડકાં તુટી જવા, દાંત પીળા પડી જવા રોગથી પીડાતા હતા. બે દાયકા એટલે કે વર્ષ 2000 પહેલાં કોગ્રેસના શાસનોમાં રાજ્યમાં માત્ર 4700 ગામોમાં પાણી પૂરવઠા યોજનાઓ હતી. 24 ટકા લોકોને નળથી જળ મળતું અને બે બેડા પાણી માટે બહેનોને ગામના ગામ જવું પડતું. જૂથ પાણી પૂરવઠા યોજનાઓની પાઇપલાઇન ભાંગી તૂટી હાલતમાં હોય અને છેવાડાના ગામને તો પાણી જ ન મળતું હોય એવી દશા હતી.

CM રૂપાણીએ કહ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં ટ્રેન દ્વારા પાણી, રાજ્યમાં ટેન્કરથી પાણી આપીને ટેન્કરરાજમાં ભ્રષ્ટાચાર થતો. પાણીના અભાવે લોકોને હિજરત કરવી પડતી. પાણીની આવી વિકટ સ્થિતિના મૂળમાં કોંગ્રેસીઓની ભ્રષ્ટાચારી નીતિઓ અને અણઘડ આયોજન જવાબદાર છે. એમના સમયમાં માત્ર 8 હજાર કરોડનું વાર્ષિક બજેટ હતું. ભાજપ સરકારમાં અમે 2 લાખ 10 હજાર કરોડનું બજેટ બનાવ્યું છે. એટલું જ નહીં, ભૂતકાળમાં માથાદીઠ 45 લીટર પાણી રોજ મળતું તે હવે 150 લીટર અપાય છે. અમે નો સોર્સ દૂર કરીને પાણીના નવા સોર્સ ઊભા કર્યા છે.

આ ઉપરાંત નર્મદા કેનાલ, સૌની યોજના, સુજલામ સુફલામ, ધરોઇ, કડાણા, ઉકાઇ જેવા મોટા ડેમ પરની વિવિધ યોજનાઓ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યું છે તેમ જણાવતા મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે, છેલ્લા ત્રણ જ દિવસમાં રાજ્યમાં 2276 કરોડના કામો પાણી પૂરવઠા-સિંચાઇ માટેના શરૂ કર્યા છે. પાણી એ વિકાસની પ્રાથમિક જરૂરિયાત છે. ખેડૂતને પાણી, વિજળી, ખાતર, બિયારણ, ટેકાના ભાવે ખરીદી જેવી સવલતો મળે તો ગુજરાતનો ખેડૂત આખા જગતની ભૂખ ભાંગવાની તાકાત પોતાના બાવડામાં ધરાવે છે.

સાથે જ તેમણે ખેડૂતોને આંદોલનના નામે ગુમરાહ કરી પોતાના રાજકીય હિતો સાધવા નીકળેલા કોંગ્રેસીઓને વેધક પ્રશ્ન કર્યો છે કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં ખેડૂત 18 ટકા વ્યાજે પૈસા લેતો, ટેકાના ભાવે એક પાઈની પણ ખરીદી થતી ન હતી. અને તમારા ચૂંટણી ઢંઢેરામાં તમે જ APMC એક્ટને દુર કરી ખેડૂતને દેશભરમાં ફળ-ફળાદી સહિત માલ વેચવાની છુટનું વચન આપેલું, હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હિંમતભર્યું પગલું ભર્યું ત્યારે ક્યા મોઢે વિરોધ કરવા નીકળ્યા છો? રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષોમાં 15 હજાર કરોડ રૂપિયાની ખેત પેદાશોની ખરીદી કરી છે, એટલું જ નહિ ખેડૂતને દિવસે વિજળી મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના, પુરતુ સિંચાઈ માટે પાણી આપી જગતના તાતને સાચા અર્થમાં તાત બનાવ્યો છે.

તો નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, પીવાના પાણી અને સિંચાઇમાં ગુજરાત રાજ્ય આત્મનિર્ભર બને તે દિશામં મક્કમતાથી આપણે આગળ વધી રહ્યા છીએ. ગુજરાતના તમામ શહેરો અને ગામડાઓમાં શુધ્ધ પીવાનું પાણી પુરતી માત્રામાં આપવા આ સરકાર સંકલ્પબધ્ધ છે.

આ ઉપરાંત પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાએ પાણી પુરવઠા દ્વારા થઇ રહેલ કામોની વિવિધ માહિતી આપતાં જણાવ્યું હતું કે નર્મદા આધારિત મહેસાણા જિલ્લાના ગામો માટે વધુ પાણી મેળવવા માટે રૂ 250 કરોડ જેટલી રકમની યોજના દ્વારા નર્મદા મેઇન કેનાલના મોઢેરા ઓફટેકથી 122 એમ.એલ.ડી પાણી ઉપાડવામાં આવશે જેમાંથી મહેસાણા શહેર માટે 47 એમ.એલ.ડીની જોગવાઇ રખાઇ છે. આ ઉપરાંત જિલ્લામાં પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ પેકેજ 1,પેકેજ 2 અને પેકેજ 3ના થઇ રહેલ કામોની માહિતી આપી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ડૉ. આશાબેન પટેલ, અજમલજી ઠાકોર, કરશન સોલંકી, રમણ પટેલ, પાણી પુરવઠાના ચેરેમન ધનંજ્ય દ્રિવેદી, સભ્ય સચિવ મયુર મહેતા, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ., જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, યુ.જી.વી.સી.એલ એમડી મહેશસિંઘ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ નવીનભાઇ, અગ્રણી જશુ સહિત પ્રબુધ્ધ નાગરિકો હાજર રહ્યા હતા.

read also

Leave a Reply

Your email address will not be published.