///

CM રૂપાણીએ રાજકોટ AIIMS હોસ્પિટલનો ઈ-શુભારંભ કરાવ્યો

રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ રાજકોટને AIIMS હોસ્પિટલની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષવર્ધન અને રાજ્યના CM રુપાણીની અધ્યક્ષતામાં ઈ-શુભારંભ કરાવ્યો હતો. જો કે, વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરના સ્વાગત માટેનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. CM રૂપાણીએ રાજકોટના જનપ્રતિનિધિ અને રાજ્યના મુખ્યપ્રધાન તરીકે AIIMSની પ્રથમ બેચના MBBS અભ્યાસમાં જોડાઇ રહેલા છાત્રોને આવકારતાં પ્રેરણા આપી હતી. 21મી સદી જ્ઞાન-વિજ્ઞાનની સદી છે ત્યારે ભારતમાતા જગતજનની બને તે માટે નવી શિક્ષણ નીતિ, AIIMS જેવી પ્રતિષ્ઠિત સંસ્થાનનું શિક્ષણ, શ્રેષ્ઠ મેડીકલ એજ્યુકેશનથી તે સદીને ભારતની સદી બનાવવી છે.

CM રૂપાણીએ યુવા છાત્રોને કહ્યું કે, આત્મનિર્ભર ભારતમાં ઇનોવેશન, રિસર્ચ-શોધ સંશોધન ક્ષેત્રે ગુજરાતે ઉલ્લેખનીય પ્રદાન કર્યુ છે. મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર રહેશે. AIIMSના આ યુવા તબીબી છાત્રો ઉત્કૃષ્ટ અભ્યાસથી રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્ર સેવામાં યોગદાન આપે તેવું આહવાન મુખ્યપ્રધાને કર્યુ હતું. મુખ્યપ્રધાનએ રાજકોટ AIIMSના પ્રથમ શૈક્ષણિક સત્રની પ્રથમ બેચનો ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ઇ-પ્રારંભ કરાવ્યો હતો. તો કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, રાજ્યપ્રધાન અશ્વિનીકુમાર ચૌબે નવી દિલ્હીથી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, ગાંધીનગરથી જોડાયા હતા.

રાજકોટમાં પંડિત દિનદયાળ મેડીકલ કોલેજમાં પ્રારંભિક તબક્કે શરૂ કરવામાં આવેલી AIIMSની આ પ્રથમ બેચમાં 50 જેટલા છાત્રોએ MBBSમાં પ્રવેશ મેળવેલો છે. આ વિદ્યાર્થીઓનો આવકાર કરવા રાજકોટમાં સાંસદ મોહન કુંડારિયા, પૂનમ માડમ, અમીયાજ્ઞિક અને AIIMS રાજકોટના પ્રેસિડેન્ટ ડૉ. દવે, નિયામક મિશ્રા, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિત તબીબો, અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ડૉ. હર્ષવર્ધને રાજકોટ AIIMSની પ્રથમ બેંચમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજકોટમાં પ્રતિષ્ઠિત AIIMS સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશના વિવિધ ભાગોમાં એઈમ્સનો પ્રારંભ કરવાનો ટુંકાગાળાનો હેતુ નાગરિકોને સસ્તા દરે આરોગ્ય સુવિધાઓ પાડવાનો તેમજ દેશમાં વેલનેસનું સર્જન કરવાનું લાંબાગાળાનું વિઝન રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત રાજકોટ AIIMSનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 1200 કરોડ રૂપિયાના ખર્ચે 750 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ બનાવવામાં આવશે. મલ્ટી સ્પેશ્યાલિટી અને સુપર સ્પેશ્યાલિટી સ્તરની આ આધુનિક હોસ્પિટલ બનશે, તેમજ એઈમ્સ રાજકોટનું ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવશે.

નાયબ મુખ્યપ્રાધને જણાવ્યું કે, ગુજરાતના લોકોની રાજ્યને AIIMS મળે તેવી લાંબા સમયથી માંગ હતી. દાયકા બાદ વદાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રમાં ભાજપાની સરકાર બની ત્યારે આ અપેક્ષા પૂર્ણ થઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે AIIMSનું આગામી શૈક્ષણિક સત્ર પચાસ બેઠકો સાથે શરૂ થયું છે ત્યારે વડાપ્રધાને જોયેલું સ્વપ્ન પરિપૂર્ણ થઇ રહ્યું છે. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા દેશના જે જિલ્લામાં મેડિકલ કોલેજ નથી ત્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત ગ્રાન્ટથી મેડિકલ કોલેજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત સરકારે પણ મેડિકલ કોલેજ ન ધરાવતા જિલ્લાની વિગતો આપી છે જે અંતર્ગત તાજેતરમાં જ મોરબી જિલ્લાને મેડિકલ કોલેજની મંજૂરી ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે.

તો આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યપ્રધાન અશ્વિનીકુમાર ચોબેએ જણાવ્યું કે, ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડીકલ સાયન્સિસ દ્વારા રાજકોટમાં 50 MBBS છાત્રોની સાથે શૈક્ષણિક સત્ર 2020નો પ્રારંભ કર્યો છે તે આપણા માટે એક ગર્વની બાબત છે. રાજકોટ AIIMS ભવિષ્યમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં એક નવી દિશા લઇને ઊભરી આવશે. રાજકોટ શહેર રમણિય, સાંસ્કૃતિ અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે જાણીતું છે, ત્યારે આવનારા સમયમાં સ્વાસ્થ્ય માટે એઇમ્સ ફક્ત રાજકોટ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર માટે એક મહત્વનું કેન્દ્ર બનશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં AIIMS બનાવવામાં આવે તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પણ ખૂબ મુખ્ય ભૂમિકા રહી છે. આ પ્રસંગે અશ્વિનીકુમારે જે વિદ્યાર્થીઓ NEET પરીક્ષા પાસ કરી રાજકોટ AIIMSમાં MBBSમાં પ્રવેશ લીધો છે તેમણે અભિનંદન પણ પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.