///

CM રૂપાણીએ વડાપ્રધાનને કોરોના વાઈરસ અંગે આપ્યો આ અહેવાલ…

દેશમાં વધતા કોરોનાના કેસમે લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યો દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધાની સુજ્જતાનો જાયજો લઇને માર્ગદર્શન આપવા દેશના આઠ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન સાથેની બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા-સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી આપી હતી.

CM રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાના આ વધેલા કેસોને ધ્યાને લઇને રાજ્ય સરકારે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં કોઇ જ સંક્રમિત વ્યકિતને સારવાર માટે બેડના અભાવે વંચિત રહેવું ન પડે તે હેતુસર સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં અંદાજે 55 હજાર આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે. આ બેડમાંથી 82 ટકા એટલે કે 45 હજાર જેટલા બેડ હજુ પણ ખાલી છે.

તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં વિલંબ ન થાય અને ત્વરિત દાખલ કરાવી સારવાર શરૂ થઇ શકે. તે માટે 108 એમ્બ્યુલન્સ સેવાઓ વધુ પ્રભાવી બનાવી છે. સાથે જ સંક્રમિત દરદીના હોસ્પિટલ પહોચતાં પૂર્વે જ તેના માટે બેડ, તબીબો અને આરોગ્ય સેવાઓ તૈનાત રખાય છે જેથી સારવારમાં કોઇ વિલંબ ન થાય. મુખ્યપ્રધાને ગુજરાતમાં 104 ફીવર હેલ્પલાઇનનો જે પ્રયોગ સફળતાપૂર્વક અપનાવ્યો છે તેની વિગતો પણ આ વિડીયો કોન્ફરન્સમાં આપી હતી.

આ ઉપરાંત ધનવંતરી રથની વાત કરતા તેમણે કહ્યું કે, ધનવંતરી રથ ઘર આંગણે ઓ.પી.ડી. સેવા ઉપલબ્ધ કરાવે છે. શરદી, ખાંસી, તાવ, બી.પી અને ડાયાબિટીસના દર્દીઓને આ રથ મારફતે સારવાર સેવા આપવામાં આવે છે. ગઇકાલ સોમવારે એક જ દિવસમાં એક લાખ બાવન હજાર લોકોએ આ ધનવંતરી રથ સેવાનો લાભ મેળવ્યો છે. સાથે જ RCPTR અને એન્ટિજન ટેસ્ટિંગનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

આ સિવાય રાજય સરકારે કોરોના કેસોમાં અચાનક થયેલા વધારા સામે સતર્કતા રાખીને અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત મહાનગરમાં રાત્રિ કરફયુનો અમલ શરૂ કર્યો છે તેની પણ જાણકારી આપી હતી. મુખ્યપ્રધાન રૂપાણીએ વડાપ્રધાનને વિશ્વાસ અપાવ્યો કે, વધતા સંક્રમણને રોકવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે. અગાઉ વડાપ્રધાનના માર્ગદર્શન અને નેતૃત્વમાં જે રીતે પહેલાં કોરોના પર નિયંત્રણ મેળવ્યું છે તેમ હવે આ તબક્કામાં પણ કોરોના સંક્રમણના વ્યાપ પર નિયંત્રણ મેળવવામાં સફળ થઇશું. સાથે જ આ વિડીયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, સચિવો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published.