/////

CM રૂપાણીએ અંબાજી મંદિરે શીશ ઝુકાવ્યું, લોકોને કોરોનામુક્ત કરવા પ્રાર્થના કરી

આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબેના દર્શન તેમજ પૂજા અર્ચના કર્યા હતા. અંબાજી ખાતે માતાજીના દર્શન કર્યા બાદ મુખ્યપ્રધાને પ્રજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, રાજ્ય અને દેશની સલામતી સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય તેમજ કોરોના સંક્રમણ જલદીથી દૂર થાય અને સૌ કોઈ આ મહામારીથી મુક્ત થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણમાં વધારો થયો છે, ત્યારે લોકોને આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં અને સારી રીતે મળી રહે તે માટે તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. લોકોની સલામતી અને સાવચેતીના ભાગરૂપે અમદાવાદમાં શનિ-રવિના દિવસોમાં વીક એન્ડનો કરર્ફ્યું નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના સંક્રમણને પહોંચી વળવા છેલ્લા બે ત્રણ દિવસમાં રાજ્ય સરકારે મહત્ત્વના નિર્ણયો લીધા છે. ત્યારે લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત રહી ગાઇડલાઇનનું પાલન કરવાનું છે. લોકોને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સેનેટાઈઝર કે સાબુથી વારંવાર હાથ ધોવા જેવી આદતો કેળવવા પર ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.