///

ગાંધીનગરને CM રૂપાણીએ આપી ભેટ, 395 કરોડની યોજનાનું કર્યું લોકાર્પણ-ખાતમુહૂર્ત

મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પાટનગર ગાંધીનગરને રૂપિયા 395 કરોડ રૂપિયાની ભેટ આપી છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ આજે સવારે વિવિધ વિકાસ કામોના ડીઝીટલી લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના મહાનગરો-નગરોને રસ્તા, લાઇટ, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી ઉપર ઉઠીને વર્લ્ડકલાસ વિકાસ સાધે તેવાં સ્માર્ટ સિટીઝ બનાવવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે આપણે 24×7 પાણી, મેટ્રોલ રેલ જેવી સુવિધા, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર,, ગ્રીન-કલીન ટ્રાન્સપોર્ટેશન અને ડિઝીટલ સેવાઓથી સ્માર્ટ-સસ્ટેઇનેબલ શહેરોના નિર્માણ સાથે આયોજનબદ્ધ વિકાસ અને પ્રગતિની નવી દિશા લીધી છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરમાં રૂ. 395 કરોડના વિવિધ વિકાસ કામોના ડિઝીટલી લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર મહાપાલિકા તંત્ર અને પદાધિકારીઓને ખૂબ જ ટૂંકા સમયમાં આ વિકાસકામો માટે અભિનંદન પાઠવ્યા હતા.

CM રૂપાણીએ જણાવ્યું કે, ગત એક-સવા વર્ષથી કોરોના સંક્રમણની વ્યાપકતા વચ્ચે પણ ગુજરાતની વિકાસ ગતિ અટકી નથી. જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે આ સરકારે કોરોના કાળમાં રૂ. 28 હજાર કરોડના વિકાસ કામો હાથ ધર્યા છે. હવે આપણે 8 મહાનગરો સહિત રાજ્યના નગરોમાં આધુનિક આયામો સાથે મેટ્રોરેલ જેવી સગવડો આપીને ગ્રીન-કલીન ટ્રાન્સપોર્ટેશન જેવી વ્યવસ્થા ઊભી કરવાની મનસા રાખી છે.

ગાંધીનગરના મેયર રિટાબહેન પટેલે સૌને આવકારી રૂ. 317 કરોડના વિવિધ ખાતમૂર્હત અને રૂ. 78 કરોડના લોકાર્પણ કામોથી પાટનગરમાં શહેરી જનજીવન સુખકારી સુવિધામાં વૃદ્ધિ થશે તેનો આનંદ વ્યકત કર્યો હતો. ગાંધીનગર મહાપાલિકાના હોદ્દેદારો, ડેપ્યુટી મેયર નાઝાભાઇ, ગુડાના પૂર્વ અધ્યક્ષ આશિષભાઇ, સંગઠનના પદાધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર ડૉ. રતન ચારણ ગઢવીએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ખાતમૂર્હત થયેલા કામોમાં મુખ્યત્વે સોલીડ વેસ્ટ કલેકશન, હયાત આસ્ફાલ્ટ રોડ રિસરફેસ, સી.સી.રોડ નિર્માણ, પાટનગરના 6 પ્રદેશદ્વાર પર ગેન્ટ્રી, બે અંડર પાસ, ભૂગર્ભ ગટરના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહાપાલિકા કચેરી લોકાર્પણ, નવા વ્હીકલ પૂલનું બાંધકામ અને ચ-0 સર્કલ ખાતે 30 મીટર ઊંચા રાષ્ટ્રધ્વજ પોલના કામોના ડિઝીટલી લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.