આજે કૃષિ કાયદાના વિરૂદ્ધમાં ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે, ત્યારે રાજ્યમાં ખેડૂતોના સમર્થનમાં આપવામાં આવેલા ભારત બંધની નહીવત અસર જોવા મળી રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહેસાણામાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમૂહુર્ત દરમિયાન ભારત બંધ વિશે વાત કરી હતી. જેમાં CM રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં બંધ નિષ્ફળ ગયો છે.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, મેં ગઇ કાલે જ કહ્યુ હતું. બંધનું આહવાન નિષ્ફળ ગયું છે કારણ કે આ ખેડૂતોની ભલાઇ વિરૂદ્ધ છે. CM રૂપાણીએ રાજ્યના લોકો, ખાસ કરીને ખેડૂતોને ભારત બંધમાં સામેલ ના થવા માટે આભાર માન્યો હતો.
CM રૂપાણીએ કહ્યુ કે, કોંગ્રેસ ખેડૂતોના નામે ખોટા આંદોલન કરી પ્રજાને ભરમાવા નીકળી છે. ભૂતકાળમાં કોંગ્રેસના સાશનમાં રાજ્યમાં પાક ધિરાણ પર ખેડૂતો પાસેથી 18% વ્યાજ લેવાતું હતું, જ્યારે અમારી સરકારે 0% વ્યાજ કરીને ખેડૂતોની વાસ્તવમાં ચિંતા કરી છે.
મહેસાણા જિલ્લામાં વિકાસલક્ષી ખાતમૂહુર્ત દરમિયાન CM રૂપાણીએ કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં માથા દીઠ 45 લિટર પાણી મળતું હતું, આજે અમારી સરકાર માથા દીઠ 150 લિટર પાણી આપી રહી છે. કોંગ્રેસના શાસનમાં પાણી પુરવઠા વિભાગમાં પાણી માટે ‘ નો સોર્સ’ શબ્દ પ્રચલિત હતો.
ત્યારે આજે અમે પાણી માટે ‘નો સોર્સ’ શબ્દ કાઢી નાંખ્યો છે, પાણી લાવવું પડે, નેવાના પાણી મોભે ચઢાવવા પડે અને ગુજરાતે એ સાર્થક કર્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં 2,276 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમે કર્યા છે. કોરોનાના કપરાકાળમાં છેલ્લા 4 મહિનામાં 19,400 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમે કર્યા છે. વિકાસને કદી અટકવા નથી દીધો.