////

CM રૂપાણીએ કહ્યું, રાજ્યમાં લોકડાઉનની કોઈ સંભાવના નથી

રાજ્યમાં લોકડાઉનને લઈને મુખ્યપ્રધાન રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં કે કોઈપણ શહેરમાં હાલમાં લોકડાઉનની કોઈ સંભાવના નથી. તેની સાથે જ રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના નવથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ યથાવત રહેશે. સાથે જ લોકોને સારવાર આપવા પર વધારે પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કોરોનાનો કોઈપણ દર્દી સારવાર વગર ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવશે.

મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાની વધુને વધુ લોકોને સારવારમાં આવરી લેવામાં આવશે. હાલમાં રાત્રિ કરફ્યુ જ રાખવાનો છે. વધુ એક વિકેન્ડ લોકડાઉન લાદવાનું કોઈ આયોજન નથી. હાલમાં તેમને રાત્રિ કરફ્યુ દ્વારા કોરોના અંકુશમાં આવી જશે તેવો વિશ્વાસ છે. તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવાનો અને તેના પર વિશ્વાસ ન કરવા કહ્યું હતુ. કોરોનાના મોરચે જે રીતે પણ સ્થિતિ હશે તે મુજબ સરકાર નિર્ણય લેશે. તેની સાથે તેમણે લોકોને સાવચેત રહેવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે હાલમાં તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન જ સૌથી મોટી સુરક્ષા છે.

નોંધનીય છે કે, આ અગાઉના દિવસે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ લોકોને અફવાઓથી ન દોરવાઈ જવા કહ્યું હતુ. તેની સાથે વિકેન્ડ કરફ્યુની વાત નકારી હતી અને ફક્ત રાત્રિ કરફ્યુ અને તે પણ આ ચાર શહેરોમાં જ રહેશે તેમ કહ્યું હતું. જેમાં અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટમાં વીકએન્ડ કરફ્યૂ નહી લાગે. જરૂરીયાત પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.