///

CM રૂપાણીએ રાજ્યમાં રમકડા ઉદ્યોગના વિકાસની સંભાવનાઓ સંદર્ભે કર્યું સૂચન

મુખ્યપ્રધાન રૂપાણીના અધ્યક્ષસ્થાને GIDC વસાહતોના વિકાસ અને કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વિકસાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજ્યમાં રમકડાં ઉદ્યોગના વિકાસની સંભાવનાઓ સંદર્ભમાં ટોય પાર્ક વિકાસવવા માટે ફિઝિબિલિટી રિપોર્ટ GIDC તૈયાર કરે તેવુ પ્રેરક સૂચન કર્યું હતું. સાથે જ તેમણે રાજ્યની GIDC વસાહતો તેમજ અન્ય બાબતોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

આ બેઠકમાં મુખ્યપ્રધાને શહેરી વિસ્તારોમાં નાના-મધ્યમ ઉદ્યોગો વધુ પ્રમાણમાં કાર્યરત થઇ શકે તે હેતુસર મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ શેડ બનાવવાની દિશામાં પણ કાર્યરત થવા માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય રાજ્યની ઔદ્યોગિક વસાહતો-GIDCમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ વિકસાવવાની ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને જરૂરી વ્યવસ્થાઓ ત્વરાએ હાથ ધરવા સૂચન કર્યું છે. GIDCમાં આ પ્રકારના ચારથી પાંચ મોડલ રાજ્યમાં વિકસાવવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી.

GIDC દ્વારા ભરૂચ જિલ્લાના દહેજમાં જે ડિસેલિનેશન પ્લાન્ટ તૈયાર થયો છે તેની કામગીરી સમયબદ્ધ આયોજનથી સમયાવધિ પહેલાં પૂર્ણ થાય તેવી સૂચનાઓ પણ મુખ્યપ્રધાનએ આપી હતી. તો બીજી બાજુ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં GIDC દ્વારા વિકસાવવામાં આવી રહેલા આઇટી-પાર્કની કામગીરીમાં પ્લોટ ફાળવણી સહિતના કામોમાં ગતિ લાવવાનું પણ મુખ્યપ્રધાને સૂચવ્યું હતું.

આ બેઠકમાં GIDCના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત, મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ તેમજ GIDCના મેનેજિંગ ડિરેક્ટર થેન્નારસન અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

આ ઉપરાંત રાજ્યમાં મોટાપાયે નવા ઉદ્યોગો વિકસી રહ્યા છે, ત્યારે તેમની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે GIDC વધુ સજ્જ બને અને ઉદ્યોગકારો, રોકાણકારોને અંડર વન રૂફ બધી સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુસર મુખ્યપ્રધાને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.