///

નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતી 10 બોટને કોસ્ટગાર્ડે કરી ડિટેઈન

કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં કરવામાં આવતા પેટ્રોલિંગ દરમ્યાન અન્ય જિલ્લાની 5 અને પોરબંદરની 5 બોટનો ફિશિંગ ઝોન તેમજ IMBL નજીક માછીમારી કરતા ઝડપાઇ હતી. જેની કાર્યવાહી ફિશરીઝ વિભાગને સોંપતા આ તમામ બોટના લાયસન્સ રદ કરવામાં આવશે. ઉપરાંત જે બોટ 2થી વધુ વખત ઝડપાશે તેના ડીઝલકાર્ડ કાયમી માટે રદ કરવામાં આવશે તેમ પોરબંદરના મદદનીશ ફિશરિઝ અધિકારીએ જણાવ્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે 21 ઓક્ટોબરના રોજ કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ ચાલતું હતું તે દરમ્યાન દરિયામાં IMBL તથા નો ફિશિંગ ઝોન નજીક માછીમારી કરતી બોટ જોવા મળી હતી, જેની તપાસ કરતા પોરબંદરની 5 બોટ અને અન્ય જિલ્લાની 5 બોટ દરિયામાં હતી, જેથી વધુ દસ્તાવેજી કાર્યવાહી માટે પોરબંદરના ફિશરીઝ વિભાગને કાર્યવાહી સોંપવામાં આવી હતી.

આ અંગે ફિશરીઝ વિભાગના મદદનીશ મત્સોધોગ નિયામક દ્વારા આ પોરબંદરની તમામ 5 બોટના લાયસન્સ રદ કરવામાં આવશે, ઉપરાંત પકડાયેલી 5 બોટમાંથી 2 બોટ એક કરતા વધુ વખત પકડાઈ હોવાથી તેમના ડિઝલકાર્ડ પણ કાયમી માટે રદ કરાશે. જ્યારે અન્ય બોટના ડિઝલકાર્ડ એક વર્ષ માટે રદ કરવામાં આવશે. તેમજ અન્ય જિલ્લાની પકડાયેલી 5 બોટ જે તે જિલ્લાની કચેરીએ કામગીરી અર્થે મોકલવામાં આવશે, તેવું ફિશરીઝ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, દરિયામાં IMBL તથા નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરવાની મનાઈ છે. જેથી જિલ્લાના માછીમારોએ આ સ્થળે માછીમારી ન કરવા ખાસ સૂચના મદદનીશ મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.