કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીની તમામ કોલેજો આજે સોમવારથી શરૂ થઇ રહી છે. કોરોનાકાળમાં દેશમાં સૌ પ્રથમવાર સંઘપ્રદેશમાં કોલેજો શરૂ કરવામાં આવશે. અહીં આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા એક એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ કોલેજ પહોંચે તે પહેલા કોરોના ટેસ્ટ કરવામા આવ્યા છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે સોમવારથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવામાં માટે મંજૂરી અપવામાં આવી છે. જેના ભાગરૂપે દીવમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થા આઇટીઆઈ, ટેક્નિકલ કોલેજ, મેડિકલ કોલેજ, તેમજ સરકારી અને ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.
છેલ્લા 8 મહિનાથી કોરોનાના કારણે બંધ કોલેજોને ફરી શરૂ કરવા 17 નવેમ્બરના રોજ દીવ, દમણ પ્રસાશને 7 ડિસેમ્બર કોલેજો શરૂ કરવાની મંજૂરી આપી હતી. જેના ભાગ રૂપે દીવના ઘોઘલા ખાતે આવેલા સીએએચસી કેન્દ્ર ખાતે તમામ વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતાં.
દીવ આરોગ્ય વિભાગ દ્વારા 1 હજાર જેટલા વિદ્યાર્થીઓના સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સેલવાસ ખાતે આવેલી વિનોબા ભાવે કોલેજની લેબમા મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ વિદ્યાર્થીને કોલેજમા એન્ટ્રી આપવામાં આવશે. તેમજ વાલીઓની પાસે સંમતિ પત્ર પણ લેવામાં આવશે. વિદ્યાર્થીઓનું કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સ રહે તે રીતે વ્યવસ્થા કરાઇ છે તેમજ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે.
આમ, દેશમાં સૌપ્રથમવાર શરૂ થતી સંઘપ્રદેશની કોલેજો 50%ની ક્ષમતા સાથે શરૂ થઇ છે. તમામ કોલેજો માટે એક કોરોનાની ગાઈડલાઇન અને SOP પણ જાહેર કરવામાં આવી છે. કોલેજના તમામ પ્રોફેસર, કર્મચારી અને વિદ્યાર્થીઓએ કોરોનાનો ટેસ્ટ પણ ફરજિયાત કરાવવાનો રહેશે. તો વિદ્યાર્થીના વાલીની સંમતિ પત્ર પણ ફરજિયાત કોલેજ દ્વારા લેવામાં આવશે. વાલીઓની સંમતી હશે તો જ વિદ્યાર્થી કોલેજ આવી શકશે.