///

ONGCના કર્મચારી સાથે રૂ.31 લાખની છેતરપિંડી કરનાર બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ

ONGCના કર્મચારીઓ સાથે બિલ્ડર ભાવેશ જાનીએ રૂપિયા 31 લોખની ઠગાઈ કરી છે. જેમાં રૂચિ નિર્માણ પ્રા.લિ.ના ડિરેક્ટર ભાવેશ જાની તથા આસિસ્ટન્ટ ડિરેક્ટર નાનજી બારીયાએ ONGCના નિવૃત્ત કર્માચારીઓ તથા તેમના સગાઓને છેતરીને બાવળાના મેમાર ગામે રોયલ ગ્રીન્સ નામની રહેણાંક સ્કીમમાં પ્લોટ આપવાનું કહી રૂ. 31,43,250 ઉઘરાવી ઠગાઈ આચરી છે. જેમાં રોકાણ કર્યાના 2 વર્ષ પછી પણ પ્લોટ કે મકાન ન મળતા રોકાણકારોએ સ્થળ પર જઈ તપાસ કરી હતી. બિલ્ડરે જે જગ્યાએ સ્કીમ બતાવી હતી તે કોઠ મહાજન પેઢીની હોવાનું તથા ત્યાં કોઈ સ્કીમ ન હોવાનું જણાતા છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે બન્ને આરોપી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ONGCના કર્મચારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ONGC તરફથી તેના કર્મચારીઓએ મફત દવા આપવામાં આવતી હતી જેના માટે ONGC કોલોની તથા ચાંદખેડાના જનતાનગર ખાતે આવેલા સંજય મેડિકલ સ્ટોર ખાતે જવાનું થતું હતું. આ સ્ટોર પર અવારનવાર આવતા ભાવેશ જાની એ તેમના ઘરની પાાછળ ગ્રીનવેલ રેસિડેન્સી નામની ફ્લેટની સ્કીમ મુકી હતી. ત્યારે જુની હાઈકોર્ટ પાસે આવેલા રૂચી નિર્માણ પ્રા.લી. રૂચી હાઉસ ખાતે રહેતા તથા ઓફિસ ધરાવતા આ ભાવેશ જાનીએ વર્ષ 2012-2013માં બાવળાના મેમાર ગામે રોયલ ગ્રીન્સ નામની રહેણાંક મકાનની સ્કીમ મુકી હોવાનું જણાવ્યું હતું.

આ સ્કીમમાં ચાર સેક્ટર બનાવી સુંદર મકાન આપવાની વાતો કરી હતી. મકાનની કિંમત રૂ. 3,90,000 અને જો એક સાથે ચૂકવવામાં આવે તો રૂ. 3,70,000 હોવાનું જણાવ્યું હતું. ONGCના અન્ય નિવૃત્ત કર્મચારીઓને પણ તેણે આ સ્કીમ સમજાવતાં લોકોએ તેનામાં વિશ્વાસ મુકી કુલ રૂ. 31,43,250 લોકોએ સ્કીમમાં પ્લોટ-મકાનો લેવા પૈસા ભર્યા હતા. ત્રણ વર્ષ સુધી મકાનો ન મળતાં રોકાણકારોએ પૈસા ભર્યાની રિસિપ્ટ, એલોટમેન્ટ લેટર વગેરે દસ્તાવેજો આપનાર ભાવેશ જાનીને પૂછતાં તેણે સ્કીમ પ્રોસેસમાં હોવાનું જણાવ્યું હતું.

બાદમાં બીજા બે વર્ષ વિતી જવા છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતાં રોકાણકારોએ એકઠા થઈ જે જમીન ઉપર સ્કીમ મુકી હોવાનું જણાવાયું હતું તે અંગે તપાસ કરતાં જમીન કોઠ મહાજન પેઢીના નામે હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત રોકાણકારોના પૈસાથી ચાંગોદર ખાતે ગ્રીમ પ્લાઝા કોમ્પ્લેક્સ તૈયાર કર્યું હોવાનું તથા દહેગામ ખાતે વીસ વીઘા જેટલી જમીન ખરીદી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ અંગે ONGCના કર્મચારીએ તા. 11મી એપ્રિલના રોજ ક્રાઈમ બ્રાન્ચ ખાતે અરજી આપ્યા બાદ મંગળવારના રોજ વિધીવત ફરિયાદ નોંધાવતા પોલીસે રૂચી નિર્માણ પ્રા.લિ.ના ડિરેક્ટર ભાવેશ જાની તથા આસિસ્ટન્ટ ડિરેક્ટર નાનજી બારીયા વિરુદ્વ છેતરપિંડનીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.